ટ્રાન્સપોર્ટેશનના હબ ગાંધીધામને જોડતા હાઇવે પર આવેલી હોટલોમાં નશીલા પદાર્થોનો વેપલો ધમધમી રહ્યો હોવાનો પર્દાફાશ અગાઉ થઇ ચુક્યો છે તો આ બાબતે અનેક ફરિયાદો પણ ઉઠતી રહે છે તેવામાં પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગળપાદર હાઇવે પર આવેલી રામદેવ હોટલ રાજસ્થાનીમાં દરોડો પાડી રૂ.70 હજારની કિંમતના નશીલા પદાર્થ પોષડેડા સાથે એકની અટક કરી મોબાઇલ, રોકડ અને વજનકાંટા સહિત કુલ રૂ.99 હજારનો મુદ્દામાલ કબજે કરી આ જથ્થો મોકલાવનાર સહિત બે વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
પૂર્વ કચ્છ એલસીબી પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગળપાદર હાઇવે પર આવેલી રામદેવ હોટલ રાજસ્થાનીમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થનું વેંચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે તે હોટલ પર દરોડો પાડી રૂ.70,662 ની કિંમતના 23.554 કિલોગ્રામ પોષ ડેડાના જથ્થા સાથે મુળ રાજસ્થાનના બાડમેરના હાલે આ હોટલમાં રહેતા જોગારામ મગારામ જાટ ચૌધરીની અટક કરી તેના કબજામાંથી રૂ.5,500 રોકડા, રૂ. 20,000 ની કિંમતના બે મોબાઇલ ફોન અને રૂ.3,000 ની કિંમતના વજનકાંટા સહિત કુલ રૂ.99,162 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પકડાયેલા આરોપીની પુછપરછમાંઆ નશીલા પદાર્થનો જથ્થો બાડમેરના કિશોર જાખડનું નામ ખુલતાં તેના વિરુધ્ધ પણ ગુનો નોંધાવી એ-ડિવિઝન પોલીસને વધુ તપાસ માટે સોંપ્યો હતો. આ કામગીરીમાં પીઆઇ રાણા સાથે પીએસઆઇ ડી.આર.ગઢવી અને એલસીબી સ્ટાફ જોડાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.