ગાંધીધામના જીઆઇડીસી ઝૂંપડા વિસ્તારમાંથી બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસ મથકની ટીમે દરોડો પાડી રૂ.69 હજારના દારૂ સાથે એક બુટલેગરને પકડી લીધો હતો. આ જથ્થો બે દિવસ પહેલાં પલાંસવાનો બુટલેગર ગાંધીધામ પહો઼ચાડી ગયો હતો. પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.
બી-ડિવિઝન પીઆઇ એમ.ડી.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ટીમ શનિવારે રાત્રે પોણા દશ વાગ્યાના અરસામાં જીઆઇડીસી ઝૂંપડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે,રામદેવપીર મંદિર પાસે રહેતો અરજણ ઉર્ફે પપ્પુ બાબુભાઇ ભરવાડ અને કાર્ગો યાદવનગરમાં રહેતો મહેશ મેરાભાઇ ભરવાડ સાથે મળી કારમાં વિદેશી દારૂનો જથ્થો લાવી ઘરમાં રાખી વેંચાણ કરે છે.
આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી રૂ.69,000 ની કિંમતના વિદેશી શરાબની 180 બોટલ સાથે અરજણ ઉર્ફે પપ્પુને પકડી લઇ કાર અને બે મોબાઇલ સહિત કુલ રૂ.5,84,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીએ પોલીસ આવી તે પહેલાં જ મહેશ નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું તેમજ આ દારૂનો જથ્થો પલાંસવાનો બુટલેગર રણમલ ભલા ભરવાડ ત્રણ દિવસ પહેલાં પોતાની કારમાં અહીં પહોંચાડી ગયો હોવાની કેફિયત આપી હતી. પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.