પૂર્વ કચ્છમાં દારૂની બદી નાથવા પોલીસ દ્વારા બુટલેગરો પર સપાટો બોલાવવાનું જારી રહ્યું છે, જેમાં એલસીબીની ટીમે સામખિયાળીના મકાનમાંથી રૂ.65 હજારની કિંમતના દારૂ-બિયર સાથે એકને પકડી લીધો હતો, તો અંજારમાં છકડાનો પીછો કરી અંગ્રેજી શરાબની 120 બોટલ લઇ જતા ઇસમને 120 બોટલ સાથે પકડી બે વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.એન.રાણાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ ગત રાત્રે સામખિયાળી થી આંબલીયારા રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હેડકોન્સ્ટેબલ કિશોર ડોડીયા અને સામત બરાફીયાને સંયુક્ત બાતમી મળી હતી કે, શાંતિનગર પ્લોટ વિસ્તારમાં રહેતો ધર્મેન્દ્ર ઉર્ફે ધમો કાનજીભાઇ મણકા અને સોહિલ હાજી થેબા મૃત્યુ પામેલા રમેશ હરગોરજી મણકાના મકાનમાં જે હાલ ધર્મેન્દ્ર ઉર્ફે ધમા હસ્તક છે તેમાં વિદેશી દારૂનો જથ્થો મગાવી વેંચાણ કરે છે.
આ બાતમીના આધારે તેના મકાનમાં દરોડો પાડી રૂ.21,000 ની કિંમતના દારૂની 750 એમએલની 21 બોટલ, રૂ.12,900 ની કિંમતની 180 એમએલની 129 બોટલો તથા રૂ.31,200 ની કિંમતના 312 બિયરના ટીન મળી કુલ રૂ.65,100 ના દારૂ-બિયરના જથ્થા સાથે સોહિલ હાજી થેબાને પકડી લીધો હતો. એલસીબીએ મોબાઇલ સહિત રૂ.70,100 નો મુદ્દામાલ જપ્ત કરી સોહિલ અને હાજર ન મળેલા ધર્મેન્દ્ર ઉર્ફે ધમા વિરૂધ્ધ સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
તો અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મતિયાનગરમાં રહેતો દિનેશકુમાર ધનજીભાઇ મહેશ્વરી પોતાના રહેણાક મકાનમાં દારૂ રાખી વેંચાણ કરે છે હાલે તે પ્રવૃતિ ચાલુ છે. આ બાતમીના આધારે તેના ઘર નજીક પહોંચતાં છકડા રીક્ષા પાસે હરકત કરી રહેલો શખ્સ રીક્ષા લઇને ભાગતાં તેનો પીછો કરી રિક્ષાની તલાશી દરમિયાન તેમાંથી રૂ.43,500 ની કી઼મતના ભારતીય બનાવટના વિદેશી દારૂની 60 બોટલો મળી આવતાં દિનેશને પકડી તેને આ જથ્થો પહોંચાડી જનાર મહેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા હાજર મળ્યો ન હતો. તે બન્ને વિરૂધ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ તપાસ સોંપી હતી. આ કામગીરીમા઼ પીઆઇ રાણા સાથે પીએસઆઇ ડી.આર.ગઢવી અને એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.
આધોઇમાંથી 30 હજારનો દારૂ-બિયર મળ્યો, આરોપી છૂ
ભચાઉ તાલુકાના આધોઇ ગામમાં પેટ્રોલિંગ કરી રહેલી સ્થાનિક પોલીસને બાતમી મળી હતી કે, આધોઇની છાયા વાડી વિસ્તારમાં રહેતો ભરત મનજી ગાંગસ (કોલી) પોતાની વાડીમાં બનાવાયેલા રહેણાક મકાનમાં વિદેશી દારૂ રાખે છે. આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી મકાનની તલાશી દરમિયાન એરંડાની સાંઠીના ઢગલા નીચે છુપાવેલા રૂ.4,200 ની કિંમતના વિદેશી શરાબની 12 બોટલ તેમજ રૂ.26,400 ની કિંમતના બિયરના 264 ટીન મળી કુલ રૂ.30,600 નો દારૂ બિયર મળ્યો પરંતુ સ્થાનિક પોલીસે પાડેલા દરોડા દરમિયાન આરોપી ભરત હાજર મળ્યો ન હતો.
ફૂલપરામાં 31 હજારના અંગ્રેજી શરાબ સાથે 1 ઝડપાયો
રાપર તાલુકાના ફૂલપરા ગામમાં આડેસર પોલીસ મથકની ટીમે દરોડો પાડી તુલસી રાયશી કોલીને રૂ.31,575 ની કિંમતના અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડની 291 બોટલો સાથે પકડી લીધો હતો. જ્યારે દરોડા સમયે બીજો આરોપી મનોજ ઉર્ફે મનજી માવજી કોલી હાજર મળ્યો ન હતો. પોલીસે બાઇક સહિત કુલ રૂ. 51,575 નો મુદ્દામાલ કબજે કરી બન્ને વિરૂધ્ધ ગુનો નોંધ્યો હોવાનું પીએસઆઇ બી.જી.રાવલે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.