મુદ્દામાલ જપ્ત કરાયો:સામખિયાળીમાંથી રાંધણગેસના 77 શંકાસ્પદ સિલિન્ડર સાથે 1 ઝડપાયો

ગાંધીધામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 21 કોમર્શિયલ અને 56 ડોમેસ્ટીક બાટલા સહિત 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત

ભચાઉ તાલુકાના સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આવેલા ગોડાઉનમાંથી 21 કોમર્શિયલ અને 56 ડોમેસ્ટિક મળી કુલ 77 શંકાસ્પદ ગેસના સિલિન્ડર સાથે સ્થાનિક પોલીસે 1 ની અટક કરી વજન કાંટા સહિત કુલ રૂ.1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સામખિયાળી પીએસઆઇ એન.કે.ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન હેડકોન્સટેબલ યુવરાજસિંહને બાતમી મળી હતી કે, ટોલ પ્લાઝા નજીક આવેલી રામદેવ હોટલ પાસેના ગોડાઉનમાં આધાર પુરાવા વગરના ગેસના ખાલી અને ભરેલા બાટલા રાખેલા છે.

આ બાતમીના આધારે ત્યાં દરોડો પાડી રૂ.33,600 ની કિંમતના કોમર્શિયલ ગેસના 21 સિલિન્ડર, રૂ.92,000 ની કિંમતના ડોમેસ્ટિક ગેસના 56 ભરેલા અને ખાલી બાટલાઓના આધાર પુરાવા માગતા તે ન હોઇ ચેતનકુમાર રાયશીભાઇ રાઠોડની અટક કરી ઇલેક્ટ્રીક વજનકાંટા સહિત કુલ રૂ.1,30,600નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઇ છે.

આ કામગીરીમાં પીએસઆઇ ચૌધરી સાથે હેડકોન્સટેબલ સિધ્ધરાજસિંહ , કોન્સ્ટેબલ ભારૂભાઇ સહિતની ટીમ જોડાઇ હતી. અહીં નોંધવું રહ્યું કે રાંધણ ગેસના બાટલાઓમાં ગેરકાયદેસર ધંધા ચાલુ હોવાની અનેક ફરિયાદો ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...