કચ્છ બ્રાન્ચ કેનાલ બાંધકામને લઈને ખુબ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ અને તેની સાબિતી આપતી તસવીરો અને વીડિયો પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. અગાઉ બિદડા પાસે, બાદમાં વવાર પાસે અને હવે ભચાઉ પાસેના પમ્પિંગ સ્ટેશન નજીક જ હાલમાં વરસાદ પડ્યો તેને પગલે ગાબડા પડી ગયા છે. અધિકારીઓ દ્વારા આચરાયેલા ભ્રષ્ટાચારનો અવાજ ગાંધીનગર કે દિલ્હી સુધી નથી પહોંચતો. અને જો પહોંચે પણ છે તો કડક કાર્યવાહી હાથ ધરાઇ નથી.
ભચાઉના પંપીગ સ્ટેશનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ અગાઉ કર્યું હતું. નિર્ધારિત સમયથી કાયમ મોડું ચાલતું કામ લોકાર્પણની લ્હાયમાં છેવટે ઉતાવળ કરવામાં આવે છે. પરિણામ આજે આપણી સામે છે. અત્યાર સુધીમાં ફતેહગઢથી ભચાઉ સુધીમાં કેટલીએ જગ્યાએ કેનાલમાં ગાબડાં પડી ચૂક્યા છે. કેબીસી નિર્માણ કરવામાં આવી ત્યારે જ કચ્છની ધરતી અને તેની સ્થળની સોઈલ ટેસ્ટ કરવામાં નથી આવ્યું તેવું જણાવતાં જાણકારો કહે છે કે, આ રણ પ્રદેશમાં રાજ્યના અન્ય વિસ્તારની જમીન મુજબ ડીઝાઈન ન બની શકે. ક્યાંક સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી પડે.
અને જો કચ્છની જમીન મુજબ ડીઝાઈન પસંદ કરાઇ છે તો તે મુજબ ગુણવત્તા નથી જળવાઈ. આ અંગે નર્મદા નિગમ કચ્છ બ્રાન્ચ કેનાલના મુખ્ય ઇજનેર એસ.બી.રાવે જણાવ્યું હતું કે, મોટા ગાબડા પડયા હોય તેવી રજૂઆત આવી નથી. હું તપાસ કરાવી જોઈશ. સ્થળ તપાસ કરાવ્યા બાદ નીગમના કર્મચારીએ જણાવ્યું હતું કે કેનાલમાં વરસાદી પાણી ઘૂસી ન જાય તે માટે બનાવેલી માટીની પાળમાં ગાબડું પડ્યું છે. કચ્છ બ્રાન્ચ કેનાલ સુરક્ષીત છે.
પ્રથમ વાર સ્થળ સમીક્ષા કરી ગાબડાંઓમાં પ્લાસ્ટર કર્યા બાદ કેનાલની સ્થિતિ જૈસે થે
મુન્દ્રાના છેવાડાના ગામ વવાર મધ્યેથી તાલુકામાં પ્રવેશ કરતી નર્મદાની નહેરમાં અનેક ગાબડા પડ્યા હોવાની અસંખ્ય રાવ બાદ નિગમના અધિકારીઓ દ્વારા સ્થળ સમીક્ષા કરી પ્લાસ્ટરરૂપી થીગડા મારવામાં આવ્યા પરંતુ તે પણ બીજી વખતના ટેસ્ટિંગ વખતે ઉખડી જતાં હાલ કેનાલની હાલત જૈસે થે જેવી થઇ ગઇ છે.
અગાઉ વવારના ઉપસરપંચ રતન ગઢવી દ્વારા ઉચ્ચ સ્તરે ફરિયાદ કરી નર્મદાની કેનાલ બનાવતી વખતે ભ્રસ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી તદ્દન નબળી ગુણવતાનું કામ કરાયું હોવાની લેખિત લાગણી પ્રદર્શિત કરી હતી.જેના પ્રત્યાઘાતરૂપે એક માસ અગાઉ કેનાલના ગાબડા પ્લાસ્ટર કરી પૂરવામાં આવ્યા હતા. જે બીજા ટેસ્ટિંગ વખતે ફરી પાધરા થયા છે. વિશેષમાં કેનાલમાં અન્ય જગ્યાએ પણ સમાન સ્થિતિ સર્જાઈ છે, ત્યારે સ્થાનિકે મંદિર અને પ્રાથમિક શાળાની તદ્દન નજીક આવેલી નર્મદા લાઈનનું સમારકામ થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.