સ્થાનિક મુદ્દાઓ ચકાસ્યા:કાઢવાંઢથી ધોળાવીરાના અધૂરા હાઇવેની જાણ દિલ્હીમાં કરાશે

કકરવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોળાવીરાના સરપંચે માળખાકિય સુવિધાઓ માટે કરી રજૂઆત
  • જી20 સમિટના નિરિક્ષકોએ સ્થાનિક મુદ્દાઓ ચકાસ્યા

જી 20 સમિટ પહેલાં આગોતરી સમીક્ષા કરવા આવેલા કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓએ બુધવારે વૈશ્વિક હિરાસત સ્થળ ધોળાવીરાની મુલાકાત લીધી હતી અને ત્યાં કયા પ્રકારની માળખાકિય સુવિધાઓ છે તે ચકાસી હતી. દરમિયાન, ધોળાવીરાના સરપંચે કરેલી વિવિધ રજૂઆતના પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું કે, ઘડુલી સાંતલપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ ધોરડોથી ધોળાવીરાને જોડે છે અને કાઢવાંઢથી ધોળાવીરા સુધીનો રસ્તો હજુ બન્યો નથી તે ઝડપથી બનાવવામાં આવે તેના સહિતની માળખાકિય સુવિધાઓની પૂર્તતાની જાણ દિલ્હીમાં સંબંધિત મંત્રાલયમાં કરવામાં આવશે.

ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે, ધોળાવીરા હેરિટેજ સાઇટ જોવા આવતા પર્યટકોને પીવાના પાણી, વીજળી, એપ્રોચ રોડ સહિતની અસુવિધા છે. ખાસ કરીને જી20ના પ્રતિનિધિઓ એક દિવસ માટે ધોળાવીરા આવવાના છે તે પૂર્વે ખાવડાથી ખડીરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તૈયાર જાય એ અનિવાર્ય છે. ત્રણ વર્ષથી આ રસ્તો બની રહ્યો છે અને 2022ના ચોમાસા પહેલાં પૂરો કરવાનો હતો પરંતુ તંત્ર અને ઠેકેદારની ગોકળગતિના કારણે મહત્ત્વનો રસ્તો તૈયાર થઇ શક્યો નથી અને કચ્છના પ્રવાસનને અસર થાય છે.

જો આ રસ્તો સમીટ પહેલાં નહીં બને તો, ધોરડોથી ધોળાવીરા પહોંચવાનો લાંબો ફેરો થશે. આ ઉપરાંત 66 કેવી સબ સ્ટેશન, પીવાના પાણી માટે નર્મદાની લાઇન, રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ધોળાવીરા તરફનો પાંચ કિલોમીટરનો એપ્રોચ રોડ પણ અનિવાર્ય સગવડો બની રહેશે. નિરિક્ષકોએ આ સુવિધાઓ માત્ર જી 20 સમિટના જૂજ દિવસો પૂરતી નહીં પણ પ્રવાસીઓને કાયમી ધોરણે ઉપયોગી થાય તેમ ગુજરાત સરકાર અને દિલ્હીના સંબંધિત મંત્રાલયમાં જાણ કરીને સગવડો ઉભી કરાશે.

અન્ય સમાચારો પણ છે...