હાલાકી:ભચાઉથી ગાંધીધામ વચ્ચે ખોટવાતી એસટી બસોથી વિદ્યાર્થીઓ હેરાન

ભચાઉએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામ પાસે વધુ એકવાર ખોટીપો થતાં ધોમધખતા તાપમાં છાત્રો શેકાયા

ભચાઉથી ગાંધીધામ અભ્યાસ અર્થે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ વારંવાર ખોટવાતી એસટી બસના કારણે કેટલાય મહિનાઓથી પરેશાની ભોગવી રહ્યા છે. મોટાભાગની બસો માં ખૂબ ભીડ હોય છે અને જે બસ મુકાય છે તે ખોટવાઈ જાય છે પરિણામે વિદ્યાર્થીઓ રઝળી પડે છે.

સોમવારે ભચાઉથી ભુજ જતી બસમાં ગાંધીધામ પાસે ટાયરની સમસ્યા સર્જાતાં ફરી એેકવાર અપડાઉન કરતા છાત્રો મુશ્કેલીમાં મુકાયા હતા. સપ્તાહના ઉૅડતા દિવસે સોમવારે ભચાઉ-ભુજ વાયા ગાંધીધામ રૂટની ભચાઉ ડેપોની બસ નં. GJ18 Z 1573 ગાંધીધામ નજીક ટાયરમાં ક્ષતિ થતાં થોભી ગઈ હતી. બસમાંથી નીચે ઉતરેલા વિદ્યાર્થીઓ માટે પસાર થતી અન્ય એસટી બસો પણ ઉભી ન રહેતાં ધોમ ધખતા તાપમાં શેકાયેલા વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસ અને કોલેજનો સમય ચૂકી ગયા હતા. આવું કેટલાય સમયથી ચાલતું આવ્યું છે.

ભચાઉ થી ગાંધીધામ જતા વિદ્યાર્થીઓ માટે વર્ષોથી પૂરતા પ્રમાણમાં બસ ફાળવાતી નથી જેના કારણે યોગ્ય રીતે અભ્યાસ પણ કરી શકતા નથી. ધોરણ આઠથી કોલેજ અને ઉચ્ચ અભ્યાસ માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અપડાઉન કરે છે પરંતુ એસટી તંત્ર દ્વારા આ બાબતને લઈને કોઈ ગંભીરતા દાખવાતી નથી.

સવારે 6:00 થી 9.00 વાગ્યા સુધી ખૂબ ભીડના કારણે દરવાજા પાસે ઉભા રહી છાત્રોને શાળા કે કોલેજમાં જવું પડે છે. એસટી બસો મોટા ભાગે ખખડધજ હાલતમાં હોતા ગમે ત્યારે બંધ થઈ જાય છે અને વિદ્યાર્થીઓને શાળા કોલેજ નો પહોંચવાનો સમય નીકળી જાય છે.

અન્ય સમાચારો પણ છે...