ભાસ્કર ગ્રાઉન્ડરિપોર્ટ:ખડીરના વિકાસમાં હજુ અનેક ખાડાઓ

કકરવાએક મહિનો પહેલાલેખક: નૂરમામદ કાસમ
  • કૉપી લિંક
  • જી-20 સમિટ કચ્છમાં યોજનારી છે ત્યારે વિશ્વ વિરાસત ધોળાવીરાના પ્રદેશમાં માળખાગત સુવિધા વધારવી રહી
  • કચ્છ પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે રણદ્વિપમાં હજુ પણ પાણી, રોડ અને વીજ જેવી પ્રાથમિક સુવિધાના પણ ફાંફાં

ધોળાવીરા વિશ્વ વિરાસત સ્થળ જાહેર થયા બાદ દેશ-દુનિયા અને રાજ્યભરમાંથી પ્રવાસીઓની સંખ્યા વધી છે. ખાવડા-ખડીર માર્ગથી જોડાતા સ્થાનિક કચ્છના લોકો પણ ખડીર-ધોળાવીરાની મુલાકાતે આવી રહ્યા છે. હવે કચ્છમાં જી-20ની આંતરરાષ્ટ્રીય સમિટ યોજાનારી છે.

ત્યારે વિદેશી અને દેશના પ્રતિનિધિઓ ખડીર-ધોળાવીરાની પણ મુલાકાતે આવે તેવી સંભાવના છે. તેથી તંત્ર દ્વારા ધોળાવીરાને ચમકાવવાની શરૂઆત કરી છે. પરંતુ ખડીરની બીજી તસવીરમાં અનેક ખૂટતી કડીઓ પણ છે. અહીં પાણીથી માંડીને શાૈચાલય જેવી પ્રાથમિક સુવિધાની પણ હજુ કમી છે.

5હજાર વર્ષ બાદ પણ ધોળાવીરામાં પેય જળ નથી !
ધોળાવીરામાં આવતા પ્રવાસીઓની સાથે સ્થાનિકોને શુદ્ધ અને મીઠું પાણીની સુવિધા હજુ સુધી નથી ! અમરાપરવાળા રણમાંથી બાલાસરથી નર્મદા પાઇપ લાઇન વડે સમગ્ર ખડીરને પાણી પહોંચાડવાના પ્રયત્નો થયા છે. જે અમરાપરથી આગળ વધ્યા નથી. અગાઉ પાણીની લાઇન નાંખતી વખતે તૂટી ગયા બાદ કામ હાલ બંધ છે. ગામ લોકોને પાણીના વાંધા હોય તો પ્રવાસીઓ માટે સુવિધા કેવી રીતે ઊભી થાય ! હડપ્પન સાઇટ પર નદીમાં એક કૂવો છે ત્યાંથી ગ્રામજનો પાણી માટે પરેશાન થતા હોય છે.

વીજ ધાંધિયા હજુ યથાવત
ધોળાવીરા ખાતે વીજ સબ સ્ટેશન બની તો ગયો છે પણ હજુ કાર્યરત થયો નથી ! જેના લીધે અહીં અવાર-નવાર વીજ ધાંધીયા સામાન્ય વાત છે. તો વોન્ટેજની પણ સમસ્યા છે. જેના લીધે સ્થાનિકો અને
પ્રવાસીઓના વીજ ઉપકરણોને નુકસાન થાય છે.

ગુજરાત પ્રવાસનની તોરણ હોટલ પાંચ વર્ષથી બંધ
ગુજરાત પ્રવાસન ભલે મોટે ઉપાડે મોટી જાહેરાતો કરે પણ જે સુવિધા છે. તેની જાણવણી પણ કરી શકવામાં સક્ષમ નથી. હાલ ધોળાવીરામાં ખાનગી રીસોર્ટ બની ગયા છે પરંતુ પ્રવાસન વિભાગની હોટલ ‘તોરણ’ ભેદી રીતે પાંચ વર્ષથી બંધ છે. અહીં આવતા ધનીકો અને સરકારી બાબુઅોને ખાનગી રીસોર્ટમાં મુશ્કેલી નથી પડતી પણ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે પરવડે તેવી રહેવાની કોઇ વ્યવસ્થા નથી. ત્યારે તોરણ હોટલ ચાલુ કરવાની સાથે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે રહેવાની કોઇ વ્યવસ્થા ઊભી થાય તે જરૂરી છે.

ઘડુલી-સાંતલપુર માર્ગ ક્યારે બનશે તે અેક પ્રશ્ન
ઘડુલી-સાંતલપુર માર્ગ વર્ષોથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે. જી-20ની સમિટ વખતે આ માર્ગ બનશે કે કેમ તે અંગે હવે સ્થાનિક લોકોને શંકા છે. તેવી જ સ્થિતિ એકલ-બાંભણકા માર્ગની છે. માર્ગના ટેન્ડરીંગ પ્રક્રિયાનો સમયગાળો લંબાયો છે. આ માર્ગ ઝડપથી બને તો પ્રવાસનની સાથે સ્થાનિક લોકોને ખૂબ જ ફાયદો થાય તેમ છે. કલ્યાણપરથી ચાંપાર ગામ તો જાણે વિખૂટું હોય તેમ અહીં પગે ચાલવુ પણ મુશ્કેલ થાય તેવો માર્ગ છે. આ માર્ગ અહીં આવેલી એક ઐતિહાસિક સાઇટ શોભારેલ સુધી લંબાવાય તો પ્રવાસીઓને વધુ એક ફાયદો થાય. તો ધોળાવીરાની ઉત્તર-પૂર્વમાં આવેલા સારણ સુધી રોડની પણ જરૂરીયાત છે. તો ઝર નામની જગ્યા સુધી રસ્તો બને તે માંગ છે.

ભંજડાદાદાના ડુંગર સુધી રોડ જરૂરી
ધોળાવીરા મુચ્છીકેમ્પ પાસે ભંજડાદાદાનું મંદિર આવેલું છે. જ્યારે બીજું મંદિર રણમાં આવેલા ભંજડા ડુંગર પર આવેલું છે. પરંતુ ચોમાસામાં રણમાં પાણી ભરાયેલું હોય તો અહીં પહોંચી શકાતું નથી. અહીં ડુંગર સુધી માર્ગ બને તો પ્રવાસીઓની સાથે સંરક્ષણની દ્રષ્ટીએ પણ માર્ગ મહત્વપૂર્ણ સાબિત થાય.

છીપ્પર પોઇન્ટ પર સુરક્ષા વ્યવસ્થા જરૂરી
હાલ ખડીરમાં અમરાપર પાસેનો છીપ્પર પોઇન્ટ ખૂબ જ લોકપ્રિય છે. ડુંગરથી રણ તરફ એક કુદરતી શીલાને સ્થાનિકો ચોભાલુ કહે છે. હાલ આ પોઇન્ટ પર સેલ્ફીના ચક્કરમાં લોકો અને બાળકો છેક છેડા સુધી ચાલ્યા જાય છે. શીલા ખૂબ જ પાતળી છે ભવિષ્યમાં કોઇ દુર્ઘટના બને તે પહેલા શીલાના રક્ષણ માટે પગલા ભરવા જરૂરી છે. અહીં શીલાને લોખંડની ગ્રીલ લગાડીને રક્ષણ આપવાની સાથે ચોકીદાર પણ મુકવાની આવશ્યકતા છે.

ખડીરની રખાલ પણ જોવા લાયક
ખડીરની એક અજાયબી અહીંની રખાલ છે. પરંત અહીં પહોંચવા માટે પણ પાકો માર્ગ નથી.અહીંની વનસ્પતિ, પથ્થરો, ફળો અલગ છે. અહીંથી રણનો પણ અદભૂત નજારો જોવા મળે છે. અહીં પણ પ્રવાસીઓ માટે સુવિધા વિકસાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...