કચ્છના ખેડૂતે બાગાયતી ખેતીમાં દેશ અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં કચ્છમાં પાકતા વિવિધ પ્રકારના ફળની નિકાસ દેશ અને વિદેશમાં પણ જાય છે. કચ્છની ખારેકે તો દેશ અને દુનિયામાં ડંકો વગાડ્યો છે તેની સાથે હવે કમલમ (ડ્રેગન ફ્રુટ) પણ ખેડૂતો અને લોકોની પસંદગી બની છે. ત્યારે સરદાર કૃષિ નગર દાંતીવાડા યુનિવર્સિટીના નિયામક પણ આ બાબતને ધ્યાને લઈ કચ્છની મુલાકાતે આવ્યા અને તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં ખારેક બાદ ડ્રેગન ફુટ પણ દેશ અને વિદેશમાં કચ્છની ઓળખ બનીને રહેશે.
ભચાઉ કૃષિ યુનિવર્સિટીથી આવેલા નિયામક ડોક્ટર સી. એમ. મુરલીધરનએ ભચાઉ અને મુંદ્રા નજીકના વાડી વિસ્તારમાં ખેડૂતોએ વાવેલા ડ્રેગન ફ્રુટ જોયા હતાં. અને જણાવ્યું કે કચ્છમાં બાગાયતી ખેતીને ખૂબ સારું પ્રોત્સાહન મળી રહ્યું છે. ખેડૂતો હવે સાહસિક બનીને બાગાયતી ખેતીમાં આગળ વધી રહ્યા છે. ત્યારે આવનારા ટૂંક સમયમાં જ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા કચ્છમાં ડ્રેગન ફ્રુટ માટે ખેડૂતોને ઉપયોગી રહે તેવા સંશોધનો કરવામાં આવશે. જેનાથી કચ્છની આબોહવા, જમીન અને સરળતાથી ડ્રેગન ફ્રુટનું ઉત્પાદન વધે તેવી દિશામાં સંશોધન કરવામાં આવશે.
જેથી કચ્છનો ખેડૂત વધુ સમૃદ્ધિવાન બની ભારતની સમૃદ્ધિમાં પોતાનું યોગદાન આપી શકે. સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકે અત્રેના વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ કચ્છની મુલાકાત લઈ ફાર્મ ખાતે ચાલતી સંશોધન અને વિસ્તરણ પ્રવૃત્તિ અંગેની માહિતી મેળવી હતી. તેમજ ભચાઉ ફાર્મ ખાતેના વડા ડો. એ.એચ. સિપાઈ તેમજ કર્મચારીઓને ચાલી રહેલા સંશોધન બાબતે જરૂરી સૂચનો કરી ખેડૂત ઉપયોગી ખેતી વિષયક નવા સંશોધનના પ્રોજેક્ટ મૂકી ખેડૂતની માંગ મુજબની સંશોધનની પ્રવૃત્તિ આગળ ધપાવવા માટે જરૂરી સૂચનાઓ અાપ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.