છેલ્લા 3 દિવસોથી ભચાઉ વિસ્તારમાં દારૂની રેલમછેલ થતી હોવાના વીડિયો વાયરલ થઇ રહ્યા છે. પરંતુ પોલીસ કોઈ નક્કર કાર્યવાહી કરવાની જગ્યાએ માત્ર પીધેલા પકડાયાનો કેસ કરતી હોવાથી હવે પરિસ્થિતિ એટલા હદે વણસી ચુકી છે કે કાયદો-વ્યવસ્થાની બીક રાખ્યા વગર પોલીસ સ્ટેશનના એકદમ નજીક લોકો દેશી દારૂની પોટલી ફૂટપટ પર બેસી ખુલ્લેઆમ મહેફીલ માણતા થયા છે. જેનો ફરી વખત વિડીયો વાયરલ થતા વાયરલ વિડીયોની હેટ્રિક થઇ છે.
આ અંગે મળતી માહિતી મુજબ ભચાઉમાં છેલ્લા 3-4 દિવસોથી દેશી દારૂ પીવાના અને રસ્તા પર દારૂની પોટલીઓ વેરાઈ જવાના વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જે મુબ પ્રથમ ભારતીય જનતા પાર્ટીનો નગરપાલિકાના એક કાર્યક્રમના મંડપ પાછળ પોટલી પીતો શખ્સ, દુધઈ રોડ પરના સનરાઇસ મોલ સામે પી ને ટ્ટલી થયેલા બે પિક્કડ બાદ ત્રીજા દિવસે નાની ચીરઈ હાઈવે પર વેરાયેલી દારૂની થેલીઓનો વિડીયો વાયરલ થયો હતો.
જે તમામ બનાવોમાં પોલીસે માત્ર સામાન્ય કાર્યવાહી કરી હોવાથી અને દેશી કે વિદેશી દારૂના પોઈન્ટ બંધ ન કરાવ્યા હોવાથી ફરી એક પોલીસની આબરૂ ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. જેમાં ભચાઉ પોલીસ સ્ટેશન નજીક આવેલી મુખ્ય બજારમાં દુકાનના ઓટલા પર દારૂની પોટલી સાથે બેઠેલો શખ્સનો વિડીયો વાયરલ થયો છે. રાજ્યમાં થયેલા લઠ્ઠાકાંડ એક વખત ભોગ બની ચુકેલો ભચાઉ બીજી વખત લઠ્ઠાકાંડનો ભોગ ન બને તે માટે લોકો તો જાગૃત થયા છે અને સતત વિડીયો ઉતારી વાયરલ કરી રહ્યા છે પરંતુ પોલીસ આ બાબતે કોઈ રસ ન લેતી હોવાથી પરિસ્થિતિ વણસી રહી છે.
કાયદાના રક્ષક જ નશામાં : મોડી રાત્રે SRPFના ગાર્ડ સહિત 3 યુવાનો બસ સ્ટેશનમાં પીધેલા મળ્યા
ભચાઉમાં સતત દારૂ પીધેલા વ્યક્તિઓના વિડીયો વાયરલ થઇ રહ્યા છે ત્યારે સોમવારે રાત્રે ફરી એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં 3 યુવાનો ભચાઉના બસ સ્ટેશનમાં મહેફિલ માણ્યા બાદ ભાન ભૂલેલી હાલતમાં મળી આવ્યા હતા. બસ સ્ટેશનમાં જ્યાં કચરાના ઢગ હતા ત્યાં સુતેલા યુવાનોનો જયારે સ્થાનીકોએ વિડીયો લેવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમાંથી ટલ્લી થયેલા એક વ્યક્તિએ ગુજરાત પોલીસનું આઈ કાર્ડ બતાવ્યું હતું અને પોતે SRPFનો જવાન હોવાની વાત પણ કરી હતી. જયારે કાયદાના રક્ષકની આવી પરિસ્થિતિ છે ત્યારે અન્ય લોકોની કેવી હશે તે હવે વિચારવું જ રહ્યું.
ભચાઉમાં આ સ્થળોએ ધમધમે છે દેશી-વિદેશી દારૂના પોઈન્ટ
1 કારિયા ધામ- અંગ્રેજી શરાબનો પોઈન્ટ 2 સીતારામ પૂર- અંગ્રેજી શરાબનો પોઈન્ટ 3 સર્વોદય સોસાયટી- દેશી-અંગ્રેજી શરાબનો પોઈન્ટ 4 હિમ્મતપુરા- દેશી શરાબનો પોઈન્ટ 5 જુનાવાડા- દેશી શરાબના 3 પોઈન્ટ 6 રંગોલી માર્બલ પાસે સર્વોદય વગેરે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.