લોકોમાં ચર્ચાઓ:ભચાઉમાં ભાડાની જમીન પર ઊભી થયેલી ફટાકડા બજાર ‘રામના ભરોસે’

ભચાઉ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડાએ પ્રવેશ ન કરવાનું બોર્ડ મૂક્યું છતાં બજાર બની

ભચાઉમાં છેલ્લા કેટલાક વર્ષોથી ફટાકડા બજાર અને તેની જગ્યાને લઈને શહેરના લોકોમાં ચર્ચાઓ જાગતી રહી છે . આ વર્ષે પણ ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળના સરકારી પ્લોટમાં ફટાકડા બજાર ઊભી કરાઇ છે જે હાલે ‘રામના ભરોસે’ હોય તેમ જણાઇ રહ્યું છે કેમ કે જે જગ્યાએ હંગામી બજાર બનાવાઇ છે ત્યાં કોઇએ પ્રવેશ ન કરવો તેવું ખુદ ભાડાએ બોર્ડ મૂક્યું છે તેમ છતાં વેપારીઓને કોઇની દરકાર ન હોય તેમ આતશબાજીના સ્ટોલ બનાવાયા છે. આ માટે કેટલીક સરકારી કચેરીઓમાં વહીવટ કરાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.

લોહાણા મહાજન વાડી સામે ભરચક રહેણાક વિસ્તારમાં ભાડાની સરકારી જગ્યામાં પ્રવેશ નિષેધની ચેતવણી વાળા બોર્ડની ઐસી કી તૈસી કરીને ફટાકડા બજાર ઊભી કરવામાં આવી છે તેવા પ્રકારની રજૂઆત બ્રીજરાજ સિંહ જાડેજાએ પ્રાંત અધિકારીની કચેરીમાં કરીને સરકારી તંત્રનું ધ્યાન દોર્યું હતું તેમ છતાં પણ કોઇ પગલાં ન લેવાતા ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

ભચાઉ એરિયા ડેવલોપમેન્ટ ઓથોરીટી જેના હસ્તક આવે છે તે પ્રાંત અધિકારીની જગ્યા હાલે ખાલી છે તેવા સંજોગોમાં નગરના કેટલાક જાગૃત લોકો હંગામી ફટાકડા બજાર વિશે રજૂઆત કરવા નાયબ મામલતદાર જીજ્ઞેશ ચૌધરી સમક્ષ પહોંચ્યા હતા. નાયબ મામલતદારે બે દિવસ બાદ પ્રાંત અધિકારી તરીકે બાલમુકુંદ સૂર્યવંશી ચાર્જ સંભાળશે તેમ કહી તેમના સમક્ષ રજૂઆત કરવા સૂચવ્યું હતું.

છેલ્લા ત્રણેક વર્ષથી ભાડાની જમીન પર ઉભી કરાતી અને વિવાદમાં રહેતી ફટાકડા બજાર વિશે સૂત્રોએ કરેલા આક્ષેપો સાચા માનીએ તો દરેક સ્ટોલ ધારક વતી એક ચોક્કસ વ્યક્તિ કેટલીક સરકારી કચેરીમાં વહીવટ કરતો હોવાથી કોઇ પગલા નથી લેવાતા અને લોકો માટે ખતરા રૂપ બજાર ખડી થઇ જાય છે ત્યારે બે દિવસ બાદ હાજર થનારા પ્રાંત અધિકારી શું પગલાં ભરે છે તે જોવાનું રહ્યું.

એકમાત્ર હોલસેલ વેપારી સામે આક્ષેપો
હોલસેલ ફટાકડા વેચવાની માત્ર એક જ વ્યક્તિ દુકાન ધરાવે છે. જેનું ગોડાઉન જૂના બસ સ્ટેશનના ડીઝલ પંપ નજીક છે તે ગેરકાયદે બનાવાયું છે તેવા આક્ષેપ કરતાં નોતિયાર ઇદ્રીસ લતીફે પ્રાંત અધિકારી સમક્ષ કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રહેણાકના મકાનની બાંધકામની મંજૂરી મળી છે તે જગ્યાએ શટર મૂકીને આતશબાજીનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. આ દિશામાં તંત્ર દ્વારા ત્વરિત પગલાં ભરવામાં આવે તેવી માગ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...