આર્થિક ફટકો:ચોબારી પંથકમાં ઉગતા એરંડામાં વિચિત્ર રોગે દેખા દેતાં ખેડૂતો ચિંતિત

કકરવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુમળા છોડ સુકાવા લાગતાં કિસાનોને આર્થિક ફટકો

ભચાઉ તાલુકાના ચોબારી પંથકમાં મોટાપાયે રોકડિયા પાક અેરંડાનું વાવેતર કરાયું છે પરંતુ હજુ તો કુમળા છોડ ઉગી નીકળ્યા છે અને સુકાવા લાગતાં અા ગંભીર રોગના કારણે કિસાનો મુશ્કેલીમાં મુકાયા છે. ભચાઉ તાલુકાના ભરૂડિયા, કણખોઇ, ચોબારી, કકરવા, રાપર તાલુકાના ફુડા, જામપર, ગામોની સીમમાં તાજેતરમાં વરસાદ પડ્યા બાદ એરંડાનું મોટાપાયે વાવેતર કરાયું છે પરંતુ ગંભીર રોગચાળાના પગલે ઉગી નીકળ્યા બાદ સુકાતા છોડના પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.

ચોબારીના ખેડૂત નામોરી વેરા ચાવડા અને ભરૂડિયાના ખેડૂત યશવંતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ચોમાસા દરમ્યાન એરંડાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે. ચોબારી પંથકમાં નર્મદા કેનાલ પસાર થતી હોવાથી અહીંના ખેડૂતો શિયાળાના પાકમાં રોકડિયા પાક તરીકે એરંડાનું વધુ વાવેતર કરતા હોય છે. જો કે, વર્તમાન સમયે વાવણી બાદ ઉગી નીકળેલા એરંડાના કુમળા છોડ સુકાઇ જાય છે. અમુક ખેતરોમાં તો સંપૂર્ણ પાક નાશ પામ્યો છે.

ડીઝલના વધેલા ભાવ વચ્ચે ટ્રેક્ટર મારફતે કરાતી ખેડના ભાવમાં પણ વધારો કરાયો છે ત્યારે એક એકરમાં વાવેતરનો ખર્ચ 7થી 10 હજારે પહોંચી જાય છે અને અેરંડાના બિયારણના રૂપિયા અલગ. તેમના કહેવા મુજબ અાવું કયારેય બન્યું નથી. સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...