વાગડવાસીઓ માટે બળબળતા ઉનાળામાં સક્કરટેટીનો સ્વાદ ઠંડક આપે છે અને વાગડના રાપર, ભચાઉ તાલુકામાં દર વર્ષે મોટાપાયે દેશી સક્કરટેટીનું વાવેતર થાય છે પરંતુ આ વર્ષે સક્કરટેટીનું વાવેતર ઓછું થતાં મૂળ ચાઈનીઝ બિયારણ ધરાવતી સક્કરટેટીનો મોટો જથ્થો ડીસાથી ઠલવાય છે.
કચ્છ અને વાગડ વિસ્તારમાં ખેડૂતો દ્વારા કેસર કેરીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે અને આ કેસર કેરીનું વેચાણ પણ સારા પ્રમાણમાં છે તેની સાથે વાગડની દેશી સક્કરટેટી પણ લોકોને ગરમીમાં રાહત આપે છે. કેસર કેરીનો સ્વાદ ન ચાખી શકનારા ગરીબ લોકો માટે સક્કરટેટી કેરી, આંબાની ગરજ સારે છે.
વાગડ વિસ્તારમાં આ વખતે સક્કરટેટીનું ઓછા પ્રમાણમાં વાવેતર કરાયું છે, જેના કારણે સ્થાનિક શાકભાજી માર્કેટમાં પણ વેચાણ માટે ઓછી જોવા મળે છે. દેશી સક્કરટેટીના અોછા વાવેતરના કારણે મૂળ ચાઈનીઝ બિયારણ ધરાવતી સક્કરટેટી વધુ જોવા મળી રહી છે.
આ સક્કરટેટી ડિસા તરફથી ભચાઉ અને રાપરની જથ્થાબંધ શાકભાજી માર્કેટમાં ઠલવાય છે, જેમાં ભચાઉમાં દરરોજ 20થી 25 ટન જેટલી સક્કરટેટી ડિસાથી આવતી હોવાનું શાકભાજીના વેપારીઓ જણાવી રહ્યા છે. હાલ વાગડમાં ટેટીનું વાવેતર ઓછું થતાં દેશી સક્કરટેટીની જગ્યાઅે ચાઈનીઝ સક્કરટેટીએ જગ્યા લીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.