ભચાઉના મુખ્યરસ્તાઓ લાંબા સમયથી ટ્રાફિક સમસ્યાથી ઘેરાઈ રહ્યા છે પણ પોલીસ કે પાલિકા પાસે કોઈ કાયમી ઉકેલ ન હોતાં નગરજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જૂના બસ સ્ટેશન થી નવા બસ સ્ટેશન, કસ્ટમ ચાર રસ્તા, મામલતદાર કચેરી રોડ, વીર સાવરકર ચોકથી મહારાણા પ્રતાપ ગેટ પાસે દબાણની ભરમારના કારણે લોકોને હવે ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સુધરાઇ દ્વારા દબાણ સામે કોઇ કાર્યવાહી ન કરાતાં કેટલાક અસામાજિક તત્વો અને ભૂમાફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે. જાહેર માર્ગો પર પાથરણા, રેંકડી, કાચી દુકાનો અને શહેરમાં ખાણી પીણીની રેકડીઓની ભરમાર લાગી છે. આડેધડ ઉભાડાતી રેકડીઓના કારણે રસ્તા નાના થવા લાગ્યા છે.
વધી રહેલા દબાણના કારણે બટીયા તળાવથી જુના બસ સ્ટેશન અને નવા બસ સ્ટેશન રોડ પર એસટીની બસને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ વિકટ સમસ્યા બાબતે પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. ચીફ ઓફિસર ચાર્જમાં હોતા પ્રશ્ન વણઉકેલ રહ્યો છે. નગરપાલિકાના પ્રમુખ કે નગરસેવકને પણ વધી રહેલા દબાણો બાબતે લેશમાત્ર પણ ચિંતા નથી.
બીજી તરફ પોલીસ દ્વારા પણ કોઈ ઠોસ પગલાં ભરવામાં આવતા નથી. શહેરમાં કેટલાય સમયથી કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડીઓની ફેશન હોય તેમ જોવા મળી રહ્યું છે. ભચાઉ વિસ્તાર વિકાસ સત્તા મંડળના અધિકારી તરીકે હાલ પ્રાંત અધિકારી ફરજ બજાવે છે તેઓ પણ પ્રશ્નો બાબતે આંખ આડા કાન કરતા હોય તેમ જણાઇ રહ્યું છે. નગરમાં વકરી રહેલી દબાણ બાબતે ત્વરાએ ધાક બેસાડતી કાર્યવાહી કરાય તેવી માગ લોકોમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.