ભચાઉમાં હાલ થોડા સમયથી સુખી સંપન્ન પરિવારના કિશોર કે યુવાનને ફસાવી તેની સાથે મિત્રતા કરી નશાની લતે ચડાવી જુગાર રમવા માટે પ્રોત્સાહિત કરી રૂપિયા ઉધાર આપીને તેની પઠાણી અને ચક્રવૃદ્ધિ વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપી ફસાવવામાં આવતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ભચાઉના એક વેપારી પુત્ર સાથે પણ આવો જ કિસ્સો બન્યો છે.
કેટલાક લેભાગુ તત્વોએ શહેરના વેપારી સજ્જન વ્યક્તિના પુત્રને પહેલા ઇંગ્લિશ દારૂના વ્યસને ચડાવી બાદમાં જુગાર જેવી પ્રવૃત્તિ સાથે જોડી દીધો પછી જુગાર રમવા બેસેલા યુવાન પાસે રૂપિયાની ઘટ થતા આ ચીટર ટીમના આગેવાન દ્વારા ફસાયેલા યુવાનને મિત્રતાથી ઉધાર રૂપિયા આપવામાં આવ્યા પણ બાદમાં આ રૂપિયા તેને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવવાનું કહેવાયું હતું જેથી તે યુવાન ખૂબ ટેન્શનમાં આવી ગયો અને ડરમાં ને ડરમાં આ વાત તેણે પરિવારથી છુપાવી હતી.
વ્યસન અને ચક્રવૃદ્ધિ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા આ યુવાનને નાછૂટકે આપઘાત કરવા મજબૂર થવું પડ્યું હતું અને તેણે ભચાઉ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં પડતું મૂક્યું હતું.પરંતુ નર્મદાની કેનાલમાં પાણી ઓછું હતું અને નજીકમાં એસઆરપીના યુવાનો હાજર હોઇ અને પાલિકાની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.વ્યાજના વિષચક્રમાં ફસાયેલા યુવાને પોતાનો જીવ આપવાની કોશિશ કરી હતી ત્યારે આ બનાવને ગંભીરતાથી ગણવામાં આવ્યો છે.
તાજેતરમાં એક વેપારી પુત્રે સટામાં 35 લાખ ગુમાવ્યા હતા
થોડા દિવસ પહેલા પણ એક વેપારીના પુત્રએ જુગારના સટ્ટામાં રૂપિયા 35 લાખ જેવી મોટી રકમ ગુમાવી હતી.જેથી સાંધા જોડવામાં પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.