ભચાઉ તાલુકાના નેર અને કડોલ ગામથી બેફામ રીતે ઓવરલોડ મીઠાના ટ્રક ભરીને નીકળતા ટ્રક ચાલકો ભચાઉના પરા વિસ્તાર ભવાનીપુર અને નવી ભચાઉના રિંગ રોડને ચોર રસ્તો બનાવી પસાર થઈ રહ્યા હતા તે સમયે આજે ગાંધીધામ આરટીઓ દ્વારા ત્રણ ભારેખમ વાહનોને રોકી એક વાહનને ડિટેઈન કરી બે વાહનોને મેમો આપવામાં આવ્યો હતો.આ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ, તાલુકાના નેર નજીકના બિન અધિકૃતિ રીતે ચાલી રહેલા મીઠાના કારખાના ઓમાનથી ભારેખમ વાહનોમાં ઓવરલોડ રીતે મીઠું ભરીને ગાંધીધામ કંડલા નજીકની કંપનીઓમાં પહોંચાડવામાં આવતું હતું.
આ મીઠાની ટ્રકો ભચાઉના પરા વિસ્તાર નવી ભચાઉ અને ભવાનીપુર જેવા વિસ્તારોમાંથી આરટીઓથી બચવા પસાર કરવામાં આવે છે. પરંતુ ભચાઉમાં આજે આરટીઓ વિભાગના અધિકારી જે.એલ. પટેલ અને એસ.જે.મેવાડા સહિતના સ્ટાફે પસાર થતી ત્રણ મીઠું ભરેલી ઓવરલોડ ટ્રકોને રોકી હતી જેમાંથી એક ટ્રક GJ-12 BJ 9319 ને પોલીસ સ્ટેશન લઇ રૂ.27000 પ્લસ ટેકસની વસૂલી કરવામાં આવી હતી. ત્યારબાદ અન્ય બે ટ્રકોને 30 થી 35,000 નો મેમો આપવામાં આવ્યો હતો જેમાં ફિટનેસ તેમજ લાયસન્સ જેવા આધારો બાબતે દંડ ફટકારવામાં આવ્યો હતો.
વાગડમાં આરટીઓ તંત્ર જાગૃત થતાં ઓવરલોડ માલ ભરતા તત્વોમાં ફફડાટ
આજે ભચાઉમાં થી આડેધડ રીતે પસાર થતા મીઠાના ઓવર લોડ ભરેલા ટ્રકો આરટીઓ વિભાગને નજરે પડતા ભવાનીપુર નવી ભચાઉના લોકોને હાશકારો થયો છે તો ઓવરલોડ માલ ભરી વાહનો દોડાવતા તત્વોમાં આરટીઓ જાગૃત થતાં ફફડાટ મચી જવા પામ્યો છે.
ત્રણે વાહનોમાં રિફ્લેક્ટર કે નંબર પ્લેટ ન હતા
આજે આરટીઓ દ્વારા વોચ ગોઠવી ડીટેઇન કરાયેલી ઓવરલોડ ટ્રકના પાછળના ભાગે કોઈપણ જાતની લાઈટો રીફલેકટર કે નંબર પ્લેટ નહોતા, નિયમોના તમામ છેદ ઉડાડી પૂર ઝડપે દોડતા આવા જ વાહનો અનેક વખત જીવલેણ અકસ્માતોના કારણ બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.