સમસ્યા યથાવત:અંજાર તાલુકા પંચાયતમાં એન્જી.ના અભાવે કામો અટક્યા

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વારંવાર રજુઆત કરાઈ હોવા છતાં સમસ્યા યથાવત

અંજાર તાલુકા પંચાયતમાં એન્જીનીયરના અભાવે અનેક કામો અટકી ગયા છે. તેવામાં ગાંધીધામના એન્જીનીયરને ચાર્જ સોપાયો હોવાથી તે બંને કચેરીએ પહોંચી શકતા નથી. જેના કારણે મંજુર થયેલા કામો પણ છેલ્લા કેટલાક મહિનાઓથી અટકી પડ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર તાલુકા પંચાયતના બાંધકામ ખાતાના એન્જીનીયરની બદલી થતા નવા એન્જીનીયર તરીકે મહિલાને મુકવામાં આવ્યા હતા. જે બદલીની સાથે જ રજા પર ઉતરી જતા છેલ્લા લાંબા સમયથી બાંધકામ શાખાની કચેરી પર તાળાં લટકતા જોવા મળતા હતા. જે બાદ સત્તાપક્ષે રજુઆત કરતા ગાંધીધામના એન્જીનીયરને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. પરંતુ 2 કચેરીના ભારણને તે પહોંચી વળી શકતા ન હોવાથી સરવાળે અંજારના કામો તો અટકેલા જ પડ્યા છે.

આ બાબતે વિપક્ષ દ્વારા સામાન્ય સભા સમયે પ્રશ્ન ઉપાડતા સત્તાપક્ષ દ્વારા એવું કહેવાયું હતું કે, ડીડીઓ સમક્ષ રૂબરૂ જઈ રજૂઆતો કરવામાં આવી છે અને અંજારને કાયમી એન્જીનીયર અપાય તેવી માંગ કરાઈ છે. પરંતુ હજુ સુધી પરિણામ નથી મળી શક્યું. સત્તાધીશો પ્રયત્નમાં જ છે. ટુક સમયમાં સમસ્યાનો હલ નીકળી જશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી. પરંતુ હાલની સ્થિતિએ મોટા ભાગના કામો મંજુર થઈ ગયા હોવા છતાં અટકેલા પડ્યા છે તે હકીકત છે.

અન્ય સમાચારો પણ છે...