ઠગાઇ:અંજારની બેંકમાં બોગસ સહીઓ કરી મહિલાએ અન્યના ખાતામાંથી રૂા.1.52 લાખ ઉપાડી લીધા

અંજાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચમી વખત ટ્રાન્ઝેક્શન કરવા આવી ત્યારે બેંકના કર્મચારીઓએ રંગેહાથ ઝડપી લઇ પોલીસ હવાલે કરી

અંજારની સેન્ટ્રલ બેંકમાં બોગસ સહીના આધારે રાજકોટની મહિલાએ 1.52 લાખ રૂપિયા ઉપાડી લીધા હતા અને આ મહિલા જયારે પાંચમી વખત બેંકમાં રૂપિયા ઉપાડવા આવી ત્યારે તેમને રંગેહાથ ઝડપી લેવામાં આવી હતી. જે બાદ બેંક મેનેજર દ્વારા અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અંજાર શાખાના બ્રાંચ મેનેજર સ્વાતીબેન અજીતકુમાર બ્રાહ્મણે નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અંજાર શાખામાં ચિત્રકુટ -2માં રહેતા રૂક્ષ્મણીબેન મંગળદાસ રવિભાણ પોતાનું ખાતું ધરાવે છે.

આ રૂક્ષ્મણીબેને બેંકમાં અરજી આપી હતી કે, તેમના બેંક ખાતા માંથી તેમની જાણ બહાર તા. 21-2ના રૂપિયા 35 હજાર, તા. 15-3ના 45 હજાર, તા. 26-4ના 50 હજાર અને તા. 16-5ના 22 હજાર રૂપિયા એમ કુલ મળી 1.52 લાખ ઉપડી ગયા છે. જેથી તપાસ કરતાં બેંક ખાતા માંથી ટ્રાન્ઝેક્શન થયાનું જણાઈ આવ્યું હતું. તેમજ નાણાં ઉપડાવા કોણ આવે છે, તે જોતા સીસીટીવી કેમેરામાં મહિલા નજરે પડી હતી. દરમિયાન બેંકમાં એક અજાણી મહિલા આવી અને તેણે રૂક્ષ્મણીબેનના ખાતા માંથી રૂપિયા ઉપાડવા બેંકની રસીદ ભરતા તરત જ કેશીયરે મેનેજરને જાણ કરી અને કેમેરા જોતા ફુટેજમાં જે મહિલા દેખાઈ હતી.

આ તે જ મહિલા હોવાનું જણાઈ આવતા તરત જ અંજાર પોલીસને બોલાવી લેવાઈ હતી. પુછતાછમાં આ મહિલાએ પોતાનું નામ રૂક્ષ્મણીબેન જણાવ્યું હતું. જો કે તેની પાસે રહેલો થેલો ચકાસતા તેમાંથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની પાંચ ચેક બુક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 6 પાસબુક, બેંક ઓફ ઈન્ડિયાની એક પાસબુક તથા એસબીઆઈ, બીઓબી અને દેના બેંકની એક- એક ચેક બુક મળી આવી હતી. તેનું આધારકાર્ડ જોતા મહિલાનું નામ ઉષાબેન હર્ષદભાઈ ભટ્ટ (રહે. ગોંડલ, રાજકોટ) હોવાનું જણાઈ આવ્યું હતું.

આ મહિલા અને રૂક્ષ્મણીબેનનો ફોટો ભળતો આવે છે. ઉષાબેનની પુછપરછમાં સામે આવ્યું કે, રૂક્ષ્મણીબેનની પાસબુક તેની ભાભી પૂનમબેને આપી હતી. જેમાંથી નાણાં ઉપાડી રાજકોટમાં રહેતા ભાઈ જયેશભાઈને તે આપ્યા હતા અને બાદમાં બહેન ઈલા અને ભાઈ કમલેશ વચ્ચે આ નાણાંની સરખે ભાગે વહેંચણી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો સામે આવતા તમામ આરોપીઓ વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...