ક્રાઈમ અને વિસ્તારની દ્રષ્ટિએ કચ્છમાં સૌથી મોટો પોલીસ સ્ટેશન અંજાર છે. મેઘપર-બો., મેઘપર-કું., વરસામેડી, ભીમાસર, વરસાણા જેવા વિસ્તારો કે જ્યાં ખુબ મોટી સંખ્યામાં ઉદ્યોગો આવેલા છે. જેના કારણે આ ઉધોગોમાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓ રાજ્ય બહારથી અંજાર તાલુકામાં આવી વસ્યા છે. જેના થકી જેટલી જનસંખ્યા અંજાર શહેરની છે તેટલી જ જનસંખ્યા ગ્રામ્ય વિસ્તારમાં પણ થઇ ગઈ છે. અંદાજે 60 કિ.મી. જેટલા વિસ્તારમાં પથરાયેલા અંજાર પોલીસના કાર્યક્ષેત્રમાં દિવસ ઉગે ને મોટા ગુનાઓ સામે આવી રહ્યા છે.
જેથી પોલીસ વિભાગે અંજાર પોલીસ સ્ટેશનના 2 ભાગ પાડવા મેઘપર-બો.માં અલગ પોલીસ મથક બને તે માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી ગૃહ વિભાગ ખાતે દરખાસ્ત મોકલી દીધી હતી. પરંતુ દરખાસ્ત કરાયાને 2 વર્ષ થઈ ગયા હોવા છતાં હજુ સુધી મંજૂરી મળી શકી નથી.રાજકીય આગેવાનોએ થોડા અંશે અંજાર માટે અંગત રસ લેતા તા. 18/12/2020ના રોજ અંજાર તાલુકાના મેઘપર-બો.ના ગાયત્રી નગરમાં આવેલ 4 એકર જેટલી સરકારી જમીન પરથી 5 રહેણાંક, 5 દુકાન, લાકડાનો બેનસો, બ્લોકના કારખાના સહિતના દબાણોને દૂર કરવા અંજાર પ્રાંત અધિકારી, મામલતદાર ઉપરાંત પોલીસ વિભાગે કાર્યવાહી કરી માત્ર એક દિવસમાં અંદાજીત 12 કરોડના કિમતની કિંમતી જમીનને દબાણ મુક્ત કરી હતી.
આ જમીન પર મેઘપર-બો., કુંભારડી અને વરસામેડી તેમજ આસપાસના વિસ્તારો માટે અલગ પોલીસ મથક ઉપરાંત ક્વાર્ટર બને તે માટે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત તૈયાર કરી ગૃહ વિભાગ, ગાંધીનગર ખાતે પહોંચાડી પણ દીધી હતી. પરંતુ ગૃહ વિભાગ પાસે ફાઈલ પહોંચ્યા બાદ જાણે કોઈ ટેબલ પર ચોંટી ગઈ હોય તેમ ત્યાંથી આગળ વધી શકી નથી. પરિણામે જિલ્લાના અન્ય વિસ્તારોમાં અલાયદી મહેકમ સાથે પોલીસ મથક મંજુર થઇ ગયા હોવા છતાં અંજાર પોલીસ મથકના ભાગ પાડવા અંગેનો કોઈ જ નિર્ણય લઇ શકાયો નથી.
માત્ર મેઘપર બોરીચી અને કુંભારડીની વાત કરીએ તો 250થી વધુ સોસાયટી અને નગરપાલિકા બની શકે તેટલી જનસંખ્યા હોવાના કારણે અંજાર પોલીસ મથકે સરેરાશ દરરોજનો 1 મોટો ગુનો આ વિસ્તાર માંથી આવી રહ્યો છે.તો બીજી તરફ અંજારમાં એ.આર.ટી.ઓ.ની નવી કચેરી ટુક સમયમાં જ કાર્યરત થાય તેમ હોવાથી હાલે મેઘપર-બો.માં કાર્યરત એ.આર.ટી.ઓ.ની બિલ્ડીંગ ખાલી થઇ રહી છે.
જેમાં મેઘપર-બો. પોલીસ મથક બને તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંતુ ગૃહ વિભાગ કઈ હરકતમાં આવે તે પહેલાં જ પૂર્વ કચ્છની ભૂસ્તર શાસ્ત્રીની કચેરી આ સ્થળે સ્થળાંતર થાય તેવી મંજૂરી ગાંધીનગર કક્ષાએથી મેળવી લેતા તે આશા પર પણ પાણી ફરી વળ્યું છે અને અંતે તો પોલીસ વિભાગને ઠેંગો જ મળ્યો છે.
સરકાર અને અંજારના પ્રતિનિધિઓ એક જ પક્ષના હોવા છતાં કોઈ સાંભળતું નથી
રાજ્ય સરકારમાં બેઠેલા નેતાઓ અને અંજારના પ્રજાકીય પ્રતિનિધિઓ એક જ પાર્ટીના છે. તેમ છતાં લોકોની અપેક્ષા પૂરી નથી થઈ રહી. અંજાર પૂર્વ કચ્છનું વડું મથક બને તે માટે જિલ્લા કક્ષાની કચેરીઓ અંજારમાં સ્થપાય તેવા અનેક પ્રયત્નો થયા જેમાં સફળતા પણ મળી છે પરંતુ અંજારમાં હાલનો સૌથી મોટો પ્રશ્ન અલગ પોલીસ મથકનો છે. જેમાં અગર સ્થાનિક રાજકીય પ્રતિનિધિઓ માત્ર દબાણ પૂર્વક રજૂઆત કરે તો આસાનીથી ગૃહ વિભાગ મંજૂરી પણ આપી શકે તેમ હોવા છતાં આવા કોઈ પ્રયત્નો સ્થાનિકેથી થયા હોય તેવું લાગતું નથી.
ARTOકચેરીના કોઈ ખૂણામાં જગ્યા મળી જાય તો પણ પોલીસ રાજી
આ અંગે સ્થાનિક પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, હાલે મેઘપર-બો.માં જ્યાં એ.આર.ટી.ઓ. કચેરી જ્યાં કાર્યરત છે તે બિલ્ડિંગમાં નવું પોલીસ મથક કાર્યરત થાય તેવી આશા
બંધાઈ હતી. પરંતુ હવે ખાણ ખનીજ વિભાગ તે બિલ્ડિંગમાં કાર્યરત થશે તેવા સમાચાર મળી રહ્યા છે. જો આ બિલ્ડીંગના મેદાનમાં ક્યાંક નાનકડી જગ્યા ફાળવી દેવામાં આવે તો ત્યાં પણ પોલીસ ચોકી ઉભી કરી શકાય તેમ છે અને સામાન્ય મહેકમ સાથે પણ સારી કામગીરી કરી શકાય તેમ છે.
આ વિસ્તારમાં મારામારી, ચોરી, લૂંટના બનાવો તો જાણે રોજના થયા
પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ગુનાઓના પ્રમાણમાં આગ્રેસ્ર એવા મેઘપર બોરીચી અને કુંભારડીમાં સમયાંતરે મરમરી, ચોરી, લુંટ, હત્યા જેવા ગંભીર ગુનાઓ નોંધાતા રહે છે. જેના કારણે પોલીસ સખત કામગીરીના દબાણ હેઠળ રહે છે. આ વિસ્તારમાં અંજાર, ગાંધીધામ અને આદિપુરના સ્થાનિક લોકો પણ વસવાટ કરે છે. તેવામાં પરપ્રાંતીય પ્રજા સાથે તે લોકો પણ દર મહીને ગંભીર 30થી વધુ ગુનાઓ નોંધાતા હોવાથી ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.