તસ્કરી:સાપેડાની કંપનીમાં 2 વખત ચોરી થઇ, કુલ રૂપિયા 9.21 લાખની માલમત્તાની ઉઠાંતરી

અંજાર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4 અજાણ્યા ઇસમોએ સ્ટીલની પ્લેટો, કોપર વાયર સહિતની મત્તા ચોરી કરી હોવાનું સીસીટીવીમાં ખુલ્યું

અંજાર તાલુકાના સાપેડા ગામની સીમમાં આવેલી ખાનગી કંપની માંથી અલગ અલગ દિવસે 2 વખત ચોરી કરવામાં આવી હતી. જેમાં 4 અજાણ્યા ઇસમોએ સ્ટીલની પ્લેટો, કોપર વાયર સહીત કુલ રૂ. 9.21 લાખની માલમત્તા ચોરી કરી હોવાનું સીસીટીવી કેમેરા તપાસતા ખુલ્યું હતું. આ અંગે અંજાર પોલીસ મથકેથી સાપેડા નજીકના સુગારીયા ફટક પાસે આવેલી અમર એન્જીનીયરીંગના મેનેજર હંસરાજ સામજીભાઇ બાંભણીયાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તેમની કંપનીમાં લાગેલા સીસીટીવી કેમેરાને કોઈએ ઉપરની બાજુ કરી નાખ્યા હોવાથી તેમણે તપાસ કરી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે, તા. 29/4ના 4 અજાણ્યા ઈસમો બાજુના ખેતર માંથી તેમની કંપનીમાં આવ્યા હતા અને રૂ. 1.77 લાખના કિમતની 1700 કિલો સ્ટીલની પ્લેટો ચોરી કરી ગયા હતા. જે બાદ ફરી તા. 1/5ની રાત્રે બિલ્ડીંગના કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા અને સ્ટોર રૂમ માંથી રૂ. 2.89 લાખના 6 રોલ કોપર કેબલ, 500 કિલો મીગ વેલ્ડીંગ વાયર, રૂ. 3.90 લાખના મશીનના અલગ અલગ પાર્ટ સહીત કુલ રૂ. 9,21,000ની માલમત્તા ચોરી કરી ગયા હતા. જેથી ફરિયાદીએ અંજાર પોલીસ મથકે 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મેઘપર-કું.માં માતા-પુત્ર છત પર સુતા રહ્યા અને ચોરો ઘરમાંથી રોકડ અને દાગીના સહીત રૂ. 1.23 લાખની મત્તા ચોરી ગયા
અંજાર તાલુકાના મેઘપર-બો. અને કુંભારડીમાં અવર નવર ચોરીના બનાવો બનતા રહે છે. થોડા દિવસો પહેલા જ મેઘપર-બો.ના ગાયત્રી નગરમાં છત પર સુતેલા વ્યક્તિના ઘરે ખાતર પડ્યું હતું તે બનાવ હજુ તોજો જ છે તેવામાં મેઘપર-કું.માં છત પર સુતા માતા-પુત્રના ઘરમાં ચોરોએ ચોરી કરી છે.

મેઘપર-કું.ના રાધા નગર-3માં રહેતા 43 વર્ષીય ભાણબાઈ ડુંગરશી ધુવાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તા. 6/5ના રાત્રે ઘરને તાળું મારી ફરિયાદી તથા તેમનો પુત્ર પ્રકાશ ઘરની છત પર સુતા હતા. જે બાદ સવારે 5 વાગ્યે ઉઠી ઘરમાં જતા તાળું તૂટેલું હતું. જે બાદ ઘરમાં તપાસ કરતા બંને તિજોરીના લોક તૂટેલા હતા. જેમાંથી રૂ. 50 હજાર રોકડા તથા ચાંદીની 2 પોચી, સાંકડા, સોનાના બુટીયા, 3 વીટી, ચેઈન, રીંગ સહીત સોના ચાંદીના રૂ. 73,800ના દાગીના સહીત કુલ રૂ. 1,23,800ના માલમત્તાની ચોરી થઇ ગઈ હતી. જે અંગે ફરિયાદીએ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જેસડાની વાડીમાંથી 60 હજારનો એરંડાનો જથ્થો ચોરી જવાયો
પશ્ચિમ કચ્છમાં એરંડા અને અન્ય ખેત પેદાશોની વારંવાર ચોરી થતા કિસાન સંઘ દ્વારા આ ચોરીઓને રોકવા પોલીસને આવેદન અપાયું હતું. જે બનાવ બાદ જાણે ચોરોએ પૂર્વ કચ્છની વાટ પકડી હોય તેમ રાપર તાલુકાના જેસડા ગામની વાડીમાં રાખેલા એરંડાના ઢગલામાંથી રૂ.60,000ની કિંમતનો 30 મણ એરંડાનો જથ્થો ચોરી થયો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. નવા જેસડામાં રહેતા અને સીમમાં આવેલી નરવિરસિંહ દોલુભા જાડેજાની જમીનમાં ભાગમાં વાવી ગુજરાન ચલાવતા ખુમાણભાઈ ડોડીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, તા.27/4 ના રોજ સવારે તેમણે એરંડા ઉતારી ઢગલો રાખ્યો હતો.

બપોરે તેઓ સામાજિક કામ અર્થે વાંઢીયા ગયા બાદ તા.29/4 ના તેઓ સવારે ખેતર પર ગયા ત્યારે એરંડાના ઢગલામાંથી જથ્થો ઓછો થયેલો જણાતાં નરવિરસિંહને જાણ કરી તપાસ કરી તો રૂ.60,000 ની કિ઼મતનો 30 મણ એરંડા ચોરી થયા હોવાનો ખ્યાલ આવતાં તેમણે રાપર પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...