સેવાસેતુ:અંજારમાં સુધરાઇનો સેવાસેતુ બપોરે જ આટોપાયો, ને 83 અરજી નિકાલનો દાવો

અંજાર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્મચારી મંડળની રેલીના પગલે પાલિકાના અન્ય કર્મીઓએ પણ ચાલતી પકડી

અંજારમાં યોજવામાં આવતો સેવાસેતુ કાર્યક્રમ દર વખતે માત્ર કાગળ પર જ યોજવામાં આવતો હોવાની અનેક વખત ફરિયાદો ઉઠી ચુકી છે, ત્યારે ફરી વોર્ડ નં. 7, 8, 9 માટે યોજવામાં આવેલા સેવાસેતુના કાર્યક્રમને બપોરના દોઢ વાગતા જ આટોપી લેવામાં આવ્યો હતો. જેના કારણે અરજદારોને ધક્કા પડ્યા હતા.

આ અંગે મળતી વિગતો મુજબ જૂની પેન્શન યોજના અને માંગો સાથે કર્મચારી મંડળ દ્વારા ભુજ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હોવાથી મોટાભાગની કચેરીના કર્મચારીઓ દ્વારા અડધા દિવસની રજા રાખી તે રેલીમાં જોડાયા હતા. જેના કારણે બપોરના દોઢ વાગતાની સાથે જ ભુજ જવાની ઉતાવળમાં અંજાર ખાતે આયોજિત સેવાસેતુના કાર્યક્રમ માંથી બહારથી આવેલા અન્ય કચેરીઓના કર્મચારીઓ પાલિકા માંથી ચાલતી પકડી હતી.

જેનો લાભ લઇ રેલીમાં ન જોડાવાનું હોવા છતાં અંજાર પાલિકાના કર્મચારીઓએ પણ સભા હોલના દરવાજા બંધ કરી ચાલતી પકડી લીધી હતી. જેના કારણે ફરિયાદ અરજી લઈને આવેલા લોકોને ધક્કા ખાવા પડ્યા હતા. અડધા દિવસમાં જ સેવાસેતુ કાર્યક્રમ આટોપી લીધો હોવા છતાં પાલિકા દ્વારા 83 અરજીઓ આવી અને તેનો સ્થળ પર જ નિકાલ કરી દેવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે સેવાસેતુના કાર્યક્રમમાં મોટા ભાગે આધારકાર્ડ સુધારો અને સામાન્ય અરજીઓ જ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. તેવામાં દર વખતે માત્ર અડધો દિવસ જ સેવાસેતુ કાર્યક્રમ રાખવામાં આવતો હોવાથી લોકો પોતાની ફરિયાદ અરજી આપી શકતા ન હોવાની રાવ પણ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...