ખબરની અસર:મુખ્ય શિક્ષકે ધરણાની ચીમકી આપતા જુના શાસનાધિકારીની ભૂલને નવાએ સુધારી

અંજાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજાર શિક્ષણ સમિતિએ 3 વર્ષ બાદ બદલીના ઓર્ડરની બજવણી કરી
  • શિક્ષક દિને જ શિક્ષકની બદલી કરાઈ, મુખ્ય શિક્ષકની માંગ સંતોષાતા ધરણા ન થયા

લગભગ ત્રણેક વર્ષ પહેલા અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું તંત્ર ભ્રષ્ટાચાર ભરેલું હતું તેવું ઓડિટમાં સાબિત થઇ ચુક્યું છે. તે સમયે અધિકારી અને પદાધિકારીએ કરેલા ભવાડાઓ હજુએ બહાર નીકળી રહ્યા છે. જે મુજબ 3 વર્ષ પહેલા એક શિક્ષકનો બદલીનો ઓર્ડર નીકળ્યો હતો પરંતુ તે શિક્ષક સુધી ન પહોંચતા 6 મહિના પહેલા તે શાળાના મુખ્ય શિક્ષક દ્વારા આ બાબતની જાણ લેખિતમાં સમિતિને કરવામાં આવી હતી. તેમ છતાં સમિતિએ દાદ ન દેતા આખરે ધરણાની ચીમકી અપાયા બાદ સમિતિએ 3 વર્ષ જુના બદલીના ઓર્ડરની બજવણી કરી હતી.

આ અંગે મળતી માહિતી મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 16માં ફરજ બજાવતા એક શિક્ષકનો 3 વર્ષ પહેલા બદલીનો ઓર્ડર નીકળ્યો હતો પરંતુ તે સમયના અધિકારીએ ગમે તે રીતે તે શિક્ષક સુધી આ ઓર્ડર પહોંચવા દીધો ન હતો. જે અંગેની જાણ તે શાળાના મુખ્ય શિક્ષકને થતા 6 મહિના પહેલા લેખિત જાણ સમિતિને કરવામાં આવી હતી.

પરંતુ સમિતિ દ્વારા આ બાબતે કોઈ પ્રત્યુત્તર આપવામાં ન આવતા આખરે મુખ્ય શિક્ષકે શિક્ષક દિનના દિવસે ધરણાની ચીમકી આપી હતી. જે અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા ખબરની અસર એવી પહોંચી હતી કે સમિતિ દોડતી થઇ હતી અને તાત્કાલિક મુખ્ય શિક્ષક સાથે બેઠક કરી જે તે શિક્ષકને 3 વર્ષથી અભેરાઈએ ચડી ગયેલો બદલીના ઓર્ડરની બજવણી કરી નાખી હતી. જેના કારણે મુખ્ય શિક્ષકે માંગ સંતોષાઈ જતા ધરણા કર્યા ન હતા.

આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા સાથે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય શિક્ષક સાથેની મીટીંગ બાદ જે સાચું હોય તે તાત્કાલિક કરી નાખવાની શાસનાધિકારીને સુચના આપી હતી. જેથી મુખ્ય શિક્ષક સાથે સમાધાન થઇ ગયું હતું અને જે પ્રશ્ન હતો તેનું નિરાકરણ પણ થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...