અંજારમાં સદાય ચર્ચામાં રહેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પહેલા સભ્યપદ માટે પસંદગી થાય તે માટે અનેક પ્રયત્નો થયા હતા. જેથી સત્તા પક્ષ દ્વારા કાર્યકરોને સાચવવા નામો જાહેર કરાયા બાદ ગાંધીનગર કક્ષાએથી ગેજેટમાં સભ્ય તરીકે નામ ચડાવી દેવામાં આવતા હવે ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક થવાના ભણકારા વાગતા રેસમાં આગળ દોડવા લોબિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ટિકિટ નહિ મળે તેવી શરત સાથે ચેરમેનની નિમણૂક થશે તેવું અત્યારથી જ સ્પષ્ટ શબ્દોમાં પાર્ટી દ્વારા સભ્યોને જણાવી દેવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી મુજબ લગભગ એક અઠવાડિયા પહેલા ગાંધીનગર કક્ષાએથી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું ગેજેટમાં નામ ચડી ગયું હતું. જેના નિયમ મુજબ 20 દિવસમાં ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક કરી નાખવાની હોય છે. જેથી હવે વધીને અઠવાડિયાની અંદર પાર્ટી દ્વારા હોદ્દેદારોના નામ જાહેર કરવાના હોવાથી અંજાર નગરપાલિકા મધ્યે સભ્યોની અવર જવર વધી ગઈ છે અને લાગતા વળગતા નેતાઓનું લોબિંગ કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગત પાલિકાની ચૂંટણી જે લોકોને શિક્ષણ સમિતિમાં ચેરમેન બનાવવામાં આવશે તેવા વચન સાથે તેમની ટિકિટ કાપવામાં આવી હતી તે હવે નિમણુકની રાહ જોઇને બેઠા છે તો બીજી તરફ પક્ષમાં લાંબા સમયથી કાર્યરત હોવા છતાં કોઈ મોકો ન મળ્યો હોય તેવા કાર્યકરો પણ આ વખતે પક્ષ ન્યાય કરશે તેવી આશા સેવી રહ્યા છે.
જોકે હાલની સ્થિતિએ તમામ સભ્યો પૈકીના અશ્વિન પંડ્યા અને બલરામ જેઠવા પૈકીના એકને શિક્ષણ સમિતિના ચેરમેન બનાવવામાં આવશે તેવી ચર્ચાઓ જોરશોરથી ગુંજી રહી છે. તો બીજી તરફ સમિતિ સાથે સંકળાયેલા વ્યક્તિઓ કોઈ નવા ચહેરાને મોકો મળશે તેવું પણ જણાવી રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.