અગાઉ અનેક વિવાદોમાં ઘેરાઈ ચુકેલી અંજાર નગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં હવે નવી બોડી આવવાની હોવાથી ચેરમેન અને વાઇસ ચેરમેનની ખુરશી માટે જોરદાર ટક્કર ચાલી રહી છે, અમુક સભ્યો હોદ્દો લેવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે તો અમુક સભ્યો માત્ર સભ્ય પદ લઈ શાંત પડી ગયા છે. તેવામાં કોઈ નવા સત્તાધારી પાર્ટી શિક્ષણને મજબુત બનાવવા કોઈ નવા ચહેરાને મોકો આપે તેવા એંધાણ પણ દેખાઈ રહ્યા છે. ભ્રષ્ટાચાર મુદ્દે સતત છવાયેલી રહેલી અંજારની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જૂની બોડીની ટર્મ પૂરી થઇ જતા હવે નવી બોડી માટે સભ્યો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા.
સત્તાધારી પાર્ટી દ્વારા સભ્યો નક્કી કરાયા હોવાથી સામે કોઈએ ફોર્મ ભર્યું ન હોવાથી ચુંટણી થઇ ન હતી અને સભ્ય પદ નક્કી થઇ ગયું હતું. જે બાદ હવે ગેઝેટ પ્રસિદ્ધ કરાવવાની કાર્યવાહી ચાલુમાં છે. જે પૂર્ણ થયા બાદ પાર્ટી જે નામ આપે તેને ચેરમેન તેમજ વાઈસ ચેરમેન બનાવવામાં આવશે. ખુરશી મળે તો માન વધે તેવી ધારણા સાથે અમુક આગેવાનોની જોરદાર ચર્ચાઓ પણ ચાલી રહી છે. તેવામાં પોતાની બગડી ગયેલી છબી સુધારવા શિક્ષણ સમિતિમાં કોઈ નવા અને શિક્ષિત સભ્યને ચેરમેન બનાવાય તેવી વાતો પણ સામે આવી રહી છે.
હાલની વાત કરીએ તો ચેરમેન પદ માટે ગુર્જર મિસ્ત્રી સમાજના આગેવાન અને ભાજપના જુના કાર્યકર બલરામ જેઠવા, શહેર ભાજપના ઉપપ્રમુખ અને પૂર્વ કાઉન્સીલર અશ્વિન પંડ્યા અને શહેર સંગઠનના મહામંત્રી દિગંત ધોળકિયાના નામ ખુબ આગળ ચાલી રહ્યા છે. પરંતુ સત્તાધારી પાર્ટી હાલે વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી પોતાની છબી સુધારી રહી હોવાથી કોઈ નવા ચહેરાને મોકો આપવામાં આવે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.