મહંતની આગમવાણી સાચી પડી:ભૂમાફિયાઓએ રતનાલ-મોડસર વચ્ચેની રાધે ટેકરીની સોથ વાળી નાખી

અંજાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય ઓથ હેઠળ થતી ખનીજ ચોરી, તંત્રના હાથ પણ બાંધેલા

અંજાર તાલુકાના રતનાલથી મોડસર વચ્ચે આવેલી રાધે ટેકરીની ભૂમાફિયાઓએ સોથ વાળી નાખી છે. અંજાર તાલુકાના રતનાલ અને મોડસર વચ્ચે એક પ્રાકૃતિક સ્થળ રાધેકુંજ અર્થાત રાધે ટેકરી આવેલી છે. વર્ષ 2007માં આ સ્થળે એક સંત આવ્યા અને તેમણે અમુક વૃક્ષ રોપ્યા હતા. વર્ષ 2020માં સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી અને રતનાલના પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા વિવિધ ઔષધિઓનું વાવેતર પણ કરાયું હતું. વર્ષ 2013માં મહંત પ્રકાશમુનિએ આગામવાણી ભાખેલી કે અહીં રૂપિયા ગણવા માટે મશીન રાખવા પડશે.

આ વિસ્તાર ખનીજથી ભરપૂર છે. જે આગમવાણી સાચી ઠરી હોય તેમ ગેરકાયદેસર ચાઈનાકલેના નામે બોકસાઈડની ધૂમ ચોરી થઈ થવા લાગી છે. જેના કારણે આજે પ્રાકૃતિક સ્થળ આસપાસ સો-બસો ફૂટથીયે ઊંડા ખાડાઓ જોવા મળી રહ્યા છે. આમ તો આ સ્થળ આસપાસ 30 વર્ષ માટેની લીઝ પણ મંજુર છે પરંતુ બોકસાઈડનું ખનન કરી સરકાર અને પ્રકૃતિને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ખનીજ ચોરી રાજકીય ઓથ હેઠળ થતી હોવાથી તંત્રના હાથ પણ બંધાઈ ગયા હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

વિરોધ કરનારાને ભૂમાફિયા ધમકી આપતા હોવાની રાવ
સ્થાનિકે જ્યાં ખનીજ ચોરી થઇ રહી છે ત્યાં જો કોઈ સામાન્ય વ્યક્તિ જાય અને વિરોધ કરે તો ધમકી આપવી કે માર મારવા સહિતના કૃત્યો થઇ રહ્યા હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇ કોઈ ઘટના ઘટે તે પહેલા જ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...