તસ્કરી:ચોરીની ઘટના અવિરત, હવે રતનાલના મંદિરના તાળા તૂટ્યા

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધાણેટી રોડ પર ભાચડીયા માતાજીના મંદિરે ભક્તોએ ચડાવેલા ચાંદીના ઘરેણા ચોરાતા આક્રોશ

છેલ્લા કેટલાક સમયથી અંજાર શહેર અને તાલુકાના દેવાલયોમાં ચોરીની ઘટનાઓ બની રહી છે. મૂર્તિઓને ખંડિત કરવી અને દાન પેટી તેમજ મૂર્તિ પરના દાગીનાઓ ચોરી થઇ જતા હોવા છતાં હજુ સુધી આ બનાવોના ભેદ ઉકેલાયા નથી, હજુ 2 દિવસ પહેલા જ સવાસર નાકે આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં રાખેલી દાન પેટી માંથી રૂ. 25 હજારની ચોરી થઇ હતી. ત્યાં હવે રતનાલમાં ધાણેટી રોડ પર આવેલા ભાચડીયા માતાજીના મંદિરમાં ભક્તોએ ચડાવેલા દાગીનાઓની ચોરી થઇ જતા ચકચાર પ્રસરી છે.

આ અંગે અંજાર પોલીસ મથકેથી રતનાલ ગામે રહેતા કાનજીભાઈ ગોપાલભાઈ ગોવિંદભાઈ વરચંદની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ રતનાલ ગામે ધાણેટી રોડ પર આવેલા ભાચડીયા માતાજીના મંદિર માંથી કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ભક્તોએ ચડાવેલા ચાંદીના પાંદડા, ચાંદીની હાંસડી, ચાંદીની પાંદડી, નકલી ડાયમંડ હાર તેમજ ચાંદીની કંઠી મળી કુલ રૂ. 8600ની મત્તા ચોરી જવામાં આવી હતી. જે અંગે અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...