જીવદયા પ્રેમીઓમાં રોષ:અંજારના સવાસરમાં માછલીઓના મૃત્યુનો સિલસિલો હજુયે યથાવત

અંજાર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દરરોજ સફાઈ કરતી હોવા છતાં સવાર પડતા દેખાય છે સેંકડો મૃત માછલી

અંજારના સવાસર નાકે આવેલા તળાવમાં છેલ્લા 15 દિવસથી કોઇપણ કારણોસર મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થઇ રહ્યા છે. પરંતુ આ બાબતથી જાણે મત્સ્ય વિભાગને કોઈ જ ફરક ન પડતો હોય તેમ પાલિકા દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં મત્સ્ય વિભાગના અધિકારીઓ હજુ સુધી તપાસ કરવા ન ડોકાતા દરરોજ સવાર પડતા સેકડો માછલીઓના મૃતદેહો જોવા મળી રહ્યા છે. જેના કારણે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ છેલ્લા 15 દિવસોથી અંજારના સવાસર તળાવમાં ટિલાપિયા પ્રજાતિની માછલીઓના ટપોટપ મૃત્યુ થઇ રહ્યા છે. દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ પાલિકા દ્વારા આ તળાવની સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદથી લગભગ દરરોજ સફાઈ કરવામાં આવી રહી છે. પરંતુ માછલીઓના મૃત્યુ શા માટે થાય છે?

તેનો રોકવાનો ઉપાય શું? આ બંને પ્રશ્નોના જવાબ પાલિકા પાસે ન હોવાથી માછલીઓના મૃત્યુ રોકી શકાયા નથી. પાલિકા દ્વારા દરરોજ સફાઈ કરવામાં આવતી હોવા છતાં સવાર પડતા જ માછલીઓના સેકડો મૃતદેહો તળાવમાં તરતા હજુ પણ જોઈ શકાય છે.

પાલિકા દ્વારા આ બાબતે મત્સ્ય વિભાગનો સંપર્ક કરી તાત્કાલિક સવાસર તળાવની મુલાકાત લેવા અને માછલીના મૃત્યુ થતા રોકવાનો ઉપાય બતાવવા જાણ કરવામાં આવી છતાં છતાં હજુ સુધી મત્સ્ય વિભાગના અધિકારીઓ અંજાર પહોચ્યા નથી. પરિણામે જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી ઉભી થઇ છે અને આવનારા દિવસોમાં વિપક્ષ દ્વારા આકરા પગલા ભરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...