છેલ્લા અમુક મહિનાઓથી અંજાર તાલુકાના કુંભારિયા ગામે વાછરડાઓ, નંદીઓ અને ગાયો ઓછી થઈ રહી છે. જે વચ્ચે શિકારીઓએ ગૌવંશનો શિકાર કરી મૃતદેહ ગામના તળાવમાં નાખી દેતા ગ્રામજનોને ગૌવંશની હત્યાના અવશેષો મળી આવ્યા હતા. જે બાદ ગામના સરપંચ, આગેવાનો અને વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ બાબતે અંજાર પોલીસ મથકે પહોંચી જઈ ઘટના અંગે જાણવાજોગ નોંધાવી આ બાબતે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે કુંભારિયા ગામના સરપંચ લાલજીભાઈ લાખાભાઈ આહિરે જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનાથી દરરોજ રાત્રે 11-12 વાગ્યા બાદ ગામની સીમમાં શિકારી પ્રવૃત્તિ થઈ રહી છે અને શિકારીઓ દ્વારા કરવામાં આવતા બંદૂકના ભડાકા સાંભળવા મળી રહ્યા છે. ગામમાં થતી શિકારી પ્રવૃતિના કારણે ગામનો ગૌવંશ ઓછો થઈ રહ્યો છે. બંદૂકના ભડાકા સાંભળ્યા બાદ ગામલોકો સાથે મળી શિકારીઓને પકડવાના પ્રયત્નો પણ થયા છે પરંતુ ખુલ્લી સીમમાં હજુ સુધી શિકારીઓ મળી શક્ય નથી.
તેવામાં ગત તા. 5ના રાત્રે આ શિકારીઓ દ્વારા ગૌવંશની હત્યા કરી હનુમાન મંદિર પાસે આવેલા તળાવમાં મૃતદેહ નાખી દેવામાં આવ્યો હતો. જેથી ઓછો થઇ રહેલા ગૌવંશનું કારણ શિકારી પ્રવૃત્તિ જ છે તેનો પાકો પુરાવો મળતા અંજાર પોલીસને આ બાબતે જાણ કરી જાણવાજોગ નોંધાવી પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રવિવારે સવારે વિશ્વ હિંદુ પરિષદના હોદ્દેદારો ઉપરાંત ગામના સરપંચ, શંભુ કરશન આહીર, રવા રામા દાફડા, અરજણ લખુ દાફડા અને સુનીલ ખેંગાર દાફડાએ સાથે મળી પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી અને ગામમાં પેટ્રોલિંગ વધારવા માંગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.