જૂથ અથડામણ:અંજારમાં એક સમુદાયના 2 જૂથ વચ્ચે મારામારીથી દુકાનો બંધ કરાવી પડી

અંજાર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગેવાનોએ મધ્યસ્થીથી સમાધાન, પોલીસની કામગીરીથી શાંતિ જળવાઈ

અંજાર બગીચામાં સામાન્ય મુદ્દે એક જ સમુદાયના બે જૂથો વચ્ચે મારામારીનો બનાવ બનતા તેની અસર સમગ્ર શહેર પર પડી હતી. દેવડિયા નાકા વિસ્તારમાં ડખો થયો તેવી વાતો વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં ભય ફેલાયો હતો. પરંતુ અંજાર પોલીસની સતર્કતા અને ત્વરિત નિર્ણયના કારણે નાની બાબત મોટો સ્વરુ લે તે પહેલા જ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

બનાવ અંગે મળતી માહિતી મુજબ બુધવારે સાંજે અંજાર નગરપાલિકા હસ્તકના બગીચામાં હીચકા ખાવા જેવી નાની બાબતે એક જ સમુદાયના 2 જૂથો સામસામે આવી ગયા હતા અને મારામારીનો બનાવ બન્યો હતો. જે બાદ ટોળા એકત્રિત થવાની શરૂઆત થતા પોલીસે ત્વરિત નિર્ણય કરી બગીચાને બંધ કરાવી સંવેદનશીલ વિસ્તારમાં આવતા દેવડિયા નાકા, ગંગાનાકા અને સવાસર નાકા વિસ્તારની દુકાનોને બંધ કરાવી નાખી હતી.

પોલીસની આ કામગીરીથી વેપારીઓમાં નારાજગી અને ભય પણ ફેલાયો હતો પરંતુ પરિસ્થિતિ પર નિયંત્રણ લાવવા આ નિર્ણય લેવો જરૂરી હોવાથી પોલીસે કડકાઈથી કામગીરી કરી હતી. જે બાદ ઘાયલ યુવાનોને અંજારની સરકારી હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સમુદાયના આગેવાનો મધ્યસ્થી કરતા મામલો શાંત પડ્યો હતો અને સમાધાન થઇ જતા આ બાબતે કોઇપણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ અંગે અંજારના પી.આઈ. સુખવિંદરસિંગ ગડુએ જણાવ્યું હતું કે, પરિસ્થિતિ પર કાબુ મેળવવા અડધો કલાક માટે દુકાનો બંધ કરાવવામાં આવી હતી. મામલો શાંત પડતા વેપારીઓએ પોતાની દુકાનો ખોલી પણ નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...