• Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Anjar
  • Seven Hundred Years Ago, The Population Of Kumbhariya Village Was More Than Two Thousand, Today Only 20 People Live! That Too To Serve The Gods

મિથ્યા રહે ના દેવઋષિ વાણી:સવાસો વર્ષ પહેલા કુંભારીયા ગામની વસતી બે હજારથી વધુ હતી, આજે માત્ર 20 લોકો જ રહે છે ! તે પણ દેવોની સેવા કરવા

અંજાર8 દિવસ પહેલાલેખક: પિયુષ આહિર
  • કૉપી લિંક
ગામની લાયબ્રેરી - Divya Bhaskar
ગામની લાયબ્રેરી
  • મિથ્યા રહે ના દેવઋષિ વાણી: સંતો-મહંતોના શ્રાપે છોટી મુંબઈ તરીકે ઓળખાતા ગામનો સોથ વાળી નાખ્યો
  • સોનાની બજાર, તાળાની ફેક્ટરી, ઈંગ્લીશ સ્કુલ પણ હતી આ ગામમાં
  • 20 લોકોની જન સંખ્યા અને 35થી વધુ મંદિરો, ગામની ધરતીમાં અખૂટ ખજાનો દાટેલો પણ પાણી સુકાઈ ગયું

​​​​રાજસ્થાનથી આવેલા ગુર્જર ક્ષત્રિયો એટલે કે મિસ્ત્રી સમાજના લોકોને 5 સદી પૂર્વે કચ્છના મહારાવે આપેલી જમીન પર કુંભ મુકીને ગામ વસાવ્યું એટલે નામ પડ્યું કુંભારિયા ! એક સમયે જાહોજલાલી ભોગવતા કુંભારિયા ગામનું શ્રાપને કારણે સાવ પતન થયું અને રોચક અને અજાણી વાતો જાણીને દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત લીધી ત્યારે સર્વત્ર સુનકાર હતો.

ગામની ખંડેરમાં ફેરવાયેલી અંગ્રેજી સ્કુલ
ગામની ખંડેરમાં ફેરવાયેલી અંગ્રેજી સ્કુલ

સવાસો વર્ષ પહેલાં 2000થી વધુ વસતી હતી
થોડા મંદીરો અને માત્ર છ હયાત ઘરો સિવાય ખંડેર જ ખંડેર.... સવાસો વર્ષ પહેલાં 2000થી વધુ વસતી હતી, આજે માત્ર 2 લોકો રહે છે એવ આ ગામનો રૂબરૂ ચિતાર મેળવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે, એક સમયે સ્થાનિકે ‘મિની મુંબઇ’ કહેવાતા ગામનો ઇતિહાસ પણ જાણે મકાનોના કાટમાળ નીચે ધરબાઇ ગયો છે ! અંજારથી 18 કિ.મી.ના અંતરે આવેલા કુંભારિયા ગામે દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રુવાડા ઉભા કરી નાખે તેવા તથ્યો સામે આવ્યા હતા.

ગામમાં હવે માત્ર મંદિરો સહિસલામત રહ્યા
ગામમાં હવે માત્ર મંદિરો સહિસલામત રહ્યા

કચ્છના મહારાવે રહેવા માટે જમીન ફાળવી
આજથી અંદાજિત 600 વર્ષ પહેલા ગુર્જર ક્ષત્રિય સમાજના લોકો જે મિસ્ત્રી તરીકે ઓળખાય છે તે રાજસ્થાનથી ભુજ તાલુકાના ધાણેટી ખાતે આવ્યા હતા અને ઉચ્ચકોટીની કારીગીરી ધરાવતા આ લોકોને તે સમયના કચ્છના મહારાવે રહેવા માટે જમીન ફાળવી હતી. તે જમીન પર મિસ્ત્રી જ્ઞાતિના લોકોએ કુંભ રાખી વસવાટ કર્યો હોવાથી ગામનું નામ કુંભારીયા રાખવામાં આવ્યું હતું.

ગાયકવાડના સમયમાં રેલવે અને શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો હતો
લગભગ 300 વર્ષ પહેલા વડોદરાના રાજા ગાયકવાડના સમયમાં રેલવે અને શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો હતો અને કુંભારિયા ગામના લોકો રેલવેના પાટા સારી રીતે પાથરી શકતા હોવાથી સારા મહેનતાણા આપવાની શરતે ગુજરાતમાં અને અન્ય સ્થળોએ રેલવેના વિકાસ માટે કારીગરોને બોલાવવામાં આવ્યા હતા. જેથી તે કારીગરો ત્યાં કામ કરી અઢળક સંપત્તિ ગામમાં લાવતા અને તેને પોતાના ઘરોમાં સંગ્રહ કરીને રાખતા, વળી આ ગામમાં મીઠા પાણીની નદી વહેતી હોવાથી ખૂબ સમૃદ્ધ ખેતી હતી.

કુંભારીયા ગામ છોટી મુંબઈ તરીકે સંબોધાતું
આ ગામમાં તે સમયે 35થી વધુ મંદિરો, રખેવાળી માટે ચબુતરા સાથેનો ઝરૂખો, છોકરી-છોકરાઓ માટે અલગ અલગ બે અંગ્રેજી માધ્યમની પ્રાથમિક શાળાઓ, અત્યાધુનિક 2 માળનું પુસ્તકાલય, 16 સોનાની દુકાનો, 11 મોટા ગજાની રસકસની દુકાનો, તિજોરી અને તાળા બનાવવા માટેની ફેકટરીઓ હતી. જેના કારણે આજુ-બાજુના ગામડા તો ઠીક પણ અંજાર જેવા સમૃદ્ધ નગર માંથી પણ લોકો આ ગામમા ખરીદી કરવા માટે આવતા. અને કુંભારીયા ગામને છોટી મુંબઈ તરીકે સંબોધતા.

પથ્થરો પણ ફોસીલ્સ એટલે કે જીવાશ્મીથી બનેલા
​​​​​​​
આ ગામમાં હયાત મકાનોની સ્થિતિ જોતાં સ્થાનિકે રહેતા રડ્યા ખડ્યા લોકોથી વાત કરીને જણાયું કે જે તે વખતે દાટેલા ખજાનાની શોધમાં લોકોએ જુના મકાનોને તોડી પડ્યા છે. જેના કારણે આજે માત્ર એ મકાનોના અવશેષ રૂપે પથ્થરો જ જોવા મળી રહ્યા છે. એ પથ્થરો પણ ફોસીલ્સ એટલે કે જીવાશ્મીથી બનેલા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખજાનાની શોધમાં જયારે મકાનો પાડવામાં આવ્યા ત્યારે અનેક લોકોને ખજાનો પ્રાપ્ત પણ થયો હતો. આજે આ ગામમાં માત્ર 6 ઘરો અને 20 લોકોની વસ્તી જ રહે છે. જે પણ ગામમાં આવેલા 35થી વધુ દેવમંદિરોની સેવા માટે રોકાયેલા છે. જેમાં 4 મિસ્ત્રી, 1 બ્રાહ્મણ અને 1 લોહાર-સુથાર જ્ઞાતિના ઘર છે.

મહંતોના શ્રાપે ગામની દુર્દશા કરી
ગામના પ્રાચીન ખાખચોક મંદિરના મહંત અમરદાસજી મહારાજ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, લગભગ 100થી 125 વર્ષ પહેલા આ બનાવો બનેલા, (1) લોકવાયકા મુજબ મહંત તિલકદાસજી મહારાજે કમરો કુવો તરીકે ઓળખાતા કુવા પાસે તેમને સમાધિ આપવાની ગામલોકો પાસે વાત કરી હતી. પરંતુ આ વાત ગામલોકોએ ન માની અને મહંતને બાજુમાં જ આવેલા સ્મશાનમાં અગ્નિદાહ આપ્યો, આ અગ્નિદાહની સાથે જ કમરો કુવા માંથી પાણી સુકાઈ ગયું અને ગામના તળીયામાંથી પાણી ગાયબ થઇ ગયું, (2) બીજી લોકવાયકા એવી પણ છે કે અલખીયા બાવા નામના મહંતે 300 મૂર્તિઓ સાથે આવેલી જમાતને જમાડવાની જવાબદારી લેવા વેપારીઓને કહ્યુ હતું, પણ તે વાત ન સ્વીકારતા મહંત નારાજ થયા હતા અને શ્રાપ આપ્યો હતો. (3) અન્ય એક લોકવાયકા મુજબ રામચરણદાસજી મહારાજને ભિક્ષામાં ગામના શ્રીમંત વ્યક્તિએ 60 કોરી આપ્યા બાદ અપમાનિત કરી ચાલ્યા જવાનું કહેતા ગામને જંગલ બનવાનો શ્રાપ મળ્યો હતો. આ મળેલા શ્રાપોની અવધી 100 વર્ષની હોય છે, જેથી હવે ગામના જુના દિવસો નજીક આવતા હોય તેવું લાગી રહ્યું છે. (4) ગામમાં આવેલા નાગેશ્વર મંદિરના પુજારી નીતિનગીરીએ જણાવ્યું હતું કે, સવાસો વર્ષ પહેલા લખીગીરી દાદા ગામમાં હતા પરંતુ કોઈ વાતના મનદુઃખે ગામમાં ખપ્પર ઉંધી વાળી તેઓ પધ્ધર ચાલ્યા ગયા હતા અને ત્યાં જીવતા સમાધિ લીધી હતી. દાદાના જતા જ ગામની દુર્દશા શરુ થઇ હતી.

આજે પણ શુભ કર્યો સમયે ગામમાં દુધની ધારાવહી આપીએ છીએ
આ અંગે ગામના વૃદ્ધા સવિતાબેન દામોદરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ગામમાં એક નાગા બાવા હતા. તે માત્ર દૂધ પિતા હતા પરંતુ એક સમયે તેમને કોઈએ દૂધ આપ્યું ન હતું. જેથી તેમણે શ્રાપ આપ્યો હોવાથી આજે ગામની આવી દશા થઇ છે. જેથી આજની તારીખે પણ ગામમાં કોઇપણ શુભ કાર્ય થાય ત્યારે પહેલા ગામના ચારેય તરફ દુધની ધારાવહી આપીએ છીએ. પછી જ શુભ કાર્ય કરીએ છીએ.

અભ્યાસ કરીએ છીએ પણ હજુ પણ સાચો નિષ્કર્ષ નથી મળ્યો
દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રીપોર્ટમાં સાથે રહેલા અને ગામ પર છેલ્લા 6 વર્ષથી અભ્યાસ કરી રહેલા કચ્છ સંશોધન મંડળના જયદીપસિંહ વાઘેલા અને ધ્રુવરાજસિંહ ઘનશ્યામસિંહ વાઘેલા (જાખોત્રા)એ જણાવ્યું હતું કે, છેલ્લા 6 વર્ષોથી અલગ અલગ એન્ગલથી ગામનો અભ્યાસ કર્યો છે. પરંતુ ગામના ચોક્કસ ઈતિહાસ વિષે નિષ્કર્ષ મેળવવામાં હજુ પણ સમય છે તેવું લાગી રહ્યું છે. આ વિસ્તારને પ્રાચીન રીતે જોવાની જરૂર છે, આ ફોસીલ્સથી ભરેલો વિસ્તાર છે અને ગામને જોતા મિસ્ત્રીઓની સમૃદ્ધિ સ્પષ્ટ દેખાય છે.

નર્મદાના પાણી મળે તો શ્રાપ માંથી પણ મુક્તિ મળે
આ અંગે ગામના સરપંચ લાલજીભાઈ લાખાભાઈ આહીરે જણાવ્યું હતું કે, ભૂકંપ બાદ નદીથી પહેલા નવું ગામ બન્યું છે. જેમાં અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. પાણી ન હોવાના કારણે ગામ સુકી ખેતી પર આધારિત છે અને પીવાનું પાણી સિનુગ્રાથી મેળવાય છે. ગામને મળેલા શ્રાપને 100 વર્ષ પુરા થઇ ગયા છે અને ગામ પાસેથી નર્મદાની પેટા કેનાલ નીકળશે તેવી જાહેરાત કરાઈ છે. જો આ પેટા કેનાલ નીકળે તો ગામના જુના દિવસો પાછા આવી જાય, ખેતી ખૂબ સમૃદ્ધ થાય અને શ્રાપ માંથી પણ મુક્તિ મળી જાય.

મહારાવની દીકરીના લગ્ન સમયે મુંબઈથી આવેલી જાનનો ઉતારો કુંભારીયામાં અપાયો હતો
આવાગમન માટે સરળ અને શ્રીમંતશાહી ધરાવતા આ ગામ વિશે વાત કરતા પ્રાથમિક શાળાના આચાર્ય કૌશિકભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે તે સમયે કચ્છના મહારાવની પુત્રીના લગ્ન હતા ત્યારે મુંબઈથી આવેલી જાનનો ઉતારો કુંભારીયામાં અપાયો હતો અને તેના માટે ગામના કુવામાં ઘી નો સંગ્રહ કરવામાં આવ્યો હતો. ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના વર્ષ 1888માં થઇ હતી એટલે કે આજથી 134 વર્ષ પહેલા ગામમાં અંગ્રેજી શાળાણી શરૂઆત થઇ હતી. એક પેઢી પહેલાના લોકો સારી રીતે અંગ્રેજી બોલતા તેવું પણ ગામ માંથી જાણવા મળ્યું છે. ગામમાં એટલું ધન હતું કે તેની રખેવાળી માટે મુસ્લિમ થેબા લોકોને ગામમાં લાવવામાં આવ્યા હતા તેવી એક વાત ગામની લટાર મારતાં સાંભળવા મળી છે.

ગામનું પતન થતા મેં જોયું છે, અને સ્થળાંતર પણ કર્યું છે
આ અંગે ગામના વયોવૃદ્ધ લગભગ 88 વર્ષીય દયારામભાઈ નારણભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ગામમાં ખુબ સમૃદ્ધ ખેતી હતી, હું પણ ખેતી સાથે જોડાયેલો હતો. ગામ એટલું શ્રીમંત હતું કે લગભગ 1000 ઘરો હતા, જેમાંથી કોઈ સિંગલ માળનું ન હતું, 2 કે 3 માળના જ મકાનો જોવા મળતા, પરંતુ સંવત 1996 એટલે કે આજથી 79 વર્ષ પહેલા એવો દુષ્કાળ આવ્યો કે અમને ગામ મૂકી અન્યત્ર જવું પડ્યું. જ્યાં જ્યાં રેલ્વે લાઈન ગઈ ત્યાં-ત્યાં ગામના વતની પહોંચ્યા, જેથી હાલે પણ રાયપુર, ધનબાદ, ઝારખંડ, કલકત્તા, બિહાર, ઓડિશા, છત્તીસગઢ જેવા વિસ્તારોમાં ગામની મોટી સંખ્યા રહે છે. હું પણ સ્થળાંતરનો ભોગ બન્યો હતો અને લગભગ 35 વર્ષ સુધી છત્તીસગઢમાં રહ્યો હતો.

તે વખતે ગામના કારીગરોએ બનાવેલા તાળા અને તિજોરી ખૂબ પ્રખ્યાત હતા : ખોલવા બે ચાવી જોઇતી
ગામના વતની વિલાસભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, જે તે સમયે ગામમાં તાળા અને તિજોરી બનાવવાની ફેકટરીઓ હતી. કારીગરોની કારીગરી એટલી ઊંચી હતી કે, લુટારુઓ ધારે તોય તે તાળું કે તિજોરી તોડી શકતા ન હતા. અરે ચાવી મળી જાય તો પણ ખોલી શકાતી ન હતી. કારણ કે આજની ટેકનોલોજીની જેમ તે સમયે પણ તાળુ કે તિજોરી ખોલવા માટે 2 અલગ-અલગ ચાવીની જરૂર પડતી હતી.

અન્ય સમાચારો પણ છે...