પૂર્વ કચ્છના અલાયદા આર.ટી.ઓ. કોડ જીજે 39 શરૂ કરવા અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. ગત ઓકટોબર માસમાં જ પૂર્વ કચ્છની અલાયદી આરટીઓ કચેરીમાં જીજે 39 કોડ શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી હતી અને દિવાળી આસપાસ આરટીઓ ની વેબસાઇટ પર નવા વાહનોના રજીસ્ટેશન તથા લાયસન્સ સંબધિત કામગીરી અંગે કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી હતી. તો, અંજાર સ્થિત કચેરી માટે અલગથી સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો હતો. જે - તે સમયે ચુંટણી બાદ નવા આરટીઓ કોડની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું, પરંતુ 2022 નું વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે પણ આ અંગે કોઈ કામગીરી થઈ નથી તે હકીકત છે.
આ બાબતે આર.ટી.ઓ.ના સૂત્રોએ તેમના તરફથી તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને ગાંધીનગર કક્ષાએ થી સૂચના મળ્યા બાદ તરત જ નવા કોડ અંતર્ગત વાહનોના રજીસ્ટ્રેશન અને અન્ય કામગીરી શરૂ થઈ જશે તેમ જણાવ્યું હતું.
બીજી તરફ, આ વિલંબ અંગે રાજકીય પ્રતિનિધિઓની ઢીલાશને પણ જવાબદાર ગણવામાં આવી રહી છે. આરટીઓ સંબધિત કામ કરતા કેટલાક અનુભવી એજન્ટોના કહ્યાનુસાર, ઉચ્ચ કક્ષાએ યોગ્ય ભારપૂર્વકની રજૂઆત થાય તો જીજે 39 ના કોડ સાથે અલગ જિલ્લાની કામગીરી તરતમાં જ શરૂ થઈ શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.