મુશ્કેલી હલ:અંજારના કળશ સર્કલથી ચિત્રકૂટ સુધીના પીડાદાયક રોડનું માર્ગ અને મકાન વિભાગ રીસરફેસિંગ કરશે

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્ગ પર પાણી ભરાય છે તે મુખ્ય સમસ્યા, નગરપાલિકા ધારે તો મુશ્કેલી હલ થાય તેવી

અંજાર શહેરમાંથી પસાર થવા માટેનો કળશ સર્કલથી ચિત્રકૂટ જતો મુખ્ય માર્ગ છેલ્લા બે વર્ષોથી ખખડધજ અવસ્થામાં થઇ ગયો છે. ગત વર્ષે વરસાદી સીઝનની માર સહન કર્યા બાદ આ વર્ષે પણ વરસાદ પડતા ચિત્રકૂટ સર્કલથી અંજાર નગરપાલિકા સુધીનો માર્ગ તો વાહન મારફતે ચાલવા લાયક પણ રહ્યો નથી. તેવામાં હવે પાણી ભરાવાની સમસ્યા વચ્ચે માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય દ્વારા આ માર્ગનું રીસરફેસિંગ કરવામાં આવશે. અંજારના ચિત્રકૂટ સર્કલથી પાલિકા સુધી નવી દુકાનોનું બાંધકામ અને અન્ય વિકાસકામોના કારણે માર્ગ દબાયો છે

જયારે માટીની ભરતીના કારણે દુકાનોનું સ્તર ઉપર આવી જતા વરસાદી પાણીનો નિકાલ મુખ્ય માર્ગ પરથી થવા લાગ્યો છે. જેના કારણે દર વર્ષે ડામર ધોવાઇ જતો હોવાથી માર્ગ ખખડધજ બની રહે છે. આ માર્ગની વાત કરીએ તો ખડીયા તળાવથી બગીચો, પીરવાડી સામે અને નગરપાલિકા સામે આમ 3 એવી મુખ્ય જગ્યાઓ છે, જ્યાં વરસાદી સિઝનમાં પાણી ભરાયેલા જ રહે છે.

ત્યારે હવે રીસરફેસિંગ થયા બાદ પણ જો આ સમસ્યા યથાવત રહી તો આવતા વર્ષે ફરી માર્ગ પરથી ડામર ઉખડી જાય તેવી શક્યતા છે. જેથી આ અંગે તાત્કાલિક નગરપાલિકા કાર્યવાહી કરી માર્ગ બને તે પહેલા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે. આમ તો આ સમસ્યા હલ થાય તેવી છે પરંતુ તે માટે પાલિકાના સત્તાધીશોની ઈચ્છા શક્તિ જાગે તે જરૂરી છે.

રીસરફેસિંગનું કામ 10 દિવસોમાં શરુ થશે- માર્ગ અને મકાન વિભાગ
આ અંગે અંજાર માર્ગ અને મકાન વિભાગના પરાક્રમસિંહ જાડેજા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, છઠ્ઠા મહિનામાં જ ચિત્રકૂટ સર્કલથી કળશ સર્કલ સુધીના શહેર માંથી પસાર થતા મુખ્ય માર્ગને રીસરફેસિંગ કરવા માટે ટેન્ડર અપાઈ ગયું છે. પરંતુ વરસાદી સિઝનના કારણે કામ પર બ્રેક લાગ્યું હતું. પરંતુ હવે 10 દિવસોમાં જ કામ શરુ કરી નાખવામાં આવશે. જો વરસાદી પાણી આ માર્ગ પર નહિ ભરાય તો લાંબા સમય સુધી માર્ગ ટકી રહેશે. માર્ગ બની ગયા બાદ અમે પાલિકાને આ વિશે પત્ર પણ લખશું.

અન્ય સમાચારો પણ છે...