આજના સમયમાં લગ્ન હોય કે અન્ય પ્રસંગો પરંતુ તેમાં જરૂરત વગરના ખોટા ખર્ચાઓ કરવામાં આવી રહ્યા છે. દેખાદેખી કહો કે પોતાનું સારું લગાડવા માત્ર જમણવાર એટલે કે રિસેપ્શન કે પાર્ટીમાં 30થી 35 લાખ જેટલો મોટો ખર્ચ કરી નાખવામાં આવતો હોય છે. ખોટા ખર્ચાઓ જાણે એક પરંપરા બની ગઈ હોય તેમ ગરીબ વ્યક્તિ લોન લઈને પણ લગ્ન પ્રસંગમાં ધોમ ખર્ચાઓ કરે છે.
તેવામાં હવે જાણે પરંપરા બદલાઈ હોય તેમ અંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા એક સામાજિક આગેવાને પોતાના પુત્રના લગ્નમાં મોંઘો રિસેપ્શન કે ખોટા ખર્ચાઓ કરવાની જગ્યાએ સાદગી પૂર્વક લગ્ન કરી સેવાકાર્યના માર્ગે જઈ દાન પેટે રૂ. 35 લાખ ફાળવ્યા છે.
અંજાર તાલુકાના રતનાલ ગામે રહેતા અને ભાજપ કાર્યકર અને સંઘની વિચારધારા ધરાવતા નંદલાલભાઈ જીવાભાઈ આહિરે સમાજ માટે એક ઉમદા ઉદાહરણ રજૂ કર્યો છે. ગત 28મીએ અંધારી તેરસના દિવસે પ્રાંથળીયા આહીરોના વિવિધ ગામોમાં લગ્ન લેવાયા હતા. જેમાં રતનાલ ગામે રહેતા નંદલાલભાઈ જીવાભાઈ આહીરના પુત્ર લાભેશના પણ લગ્ન હતા. જે પ્રસંગમાં ખોટા તામ-જામ કે ખર્ચાઓ કરવાની જગ્યાએ સામાજિક રીત મુજબ સમૂહ લગ્ન અને સમૂહ ભોજન સાથે સાદાઈથી લગ્ન કરવામાં આવ્યા હતા. પરંતુ લગ્નમાં જે ખર્ચ થવાનો હતો તેનો અંદાજ કાઢી રૂ. 35 લાખ જેટલી રકમ જુદી જુદી જગ્યાઓએ દાન પેટે ફાળવી નાખવામાં આવી હતી.
આ અંગે નંદલાલભાઈ આહીર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું ભાજપના કાર્યકર્તા સાથે સંઘની વિચારધારા ધરાવું છું અને સંઘના લોકો સાથે મારી બેઠક હોવાથી સેવા કર્યો કરવા તે સંસ્કાર પહેલાથી જ રહેલા છે. જે મુજબ મારા પિતાજીએ પણ અનેક સેવા કર્યો હતા અને હવે તેમના રસ્તે ચાલી હું પણ સેવાકર્યો કરું છું. કોરોનાના સમયમાં પણ 5-7 લાખ જેટલી રકમ સેવા પેટે ફાળવી હતી.
મારા પુત્રના લગ્નમાં ખોટા ખર્ચાઓ કરવા કરતા જે રકમ પ્રસંગ પાછળ ખર્ચ થવાની હતી તેનો અંદાજ કાઢી સારા કાર્યો પાછળ ફાળવવાનું વિચારી અંદાજીત 30થી 35 લાખ રૂપિયાનું દાન કરવાનું નિર્ધાર કર્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં રૂ. 5 લાખ જુદી જુદી જગ્યાઓએ આપ્યા છે અને હજુ 2-3 તબક્કામાં દાન કરીશ. આ અગ્રણીએ મહત્વનપૂર્ણ નિર્ણય લઇને અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે.
માત્ર મંદિરો જ નહિ પરંતુ સામાજિક સમરસતા દાખવી દરેક સમાજને મદદ કરી
રતનાલના આગેવાને માત્ર મંદિરો જ નહીં પણ સામાજિક સમરસતા દાખવી જુદા જુદા સમજોને પણ મદદ કરી છે. મંદિરો ઉપરાંત સંઘની વિવિધ ભગીની સંસ્થાઓ ઉપરાંત પીએચ સેન્ટર, હિંદુઓના વિવિધ સમજો પાછળ પણ ખર્ચ કર્યો છે. જેમાં સેવા સાધના - કચ્છમાં રૂ. 51 હજાર, ધર્મ જાગરણ - કચ્છમાં રૂ. 51 હજાર, ગૌશાળા - રતનાલ રૂ. 51 હજાર, સચિદાનંદ મંદિર-અંજાર રૂ. 51 હજાર, વાઘેશ્વરી માં મંદિર-હબાય 51 હજાર, શિશુ મંદિર-રતનાલ રૂ. 21 હજાર, ગરીબ દર્દીઓ નાં લાભાર્થે PHC સેન્ટર - રતનાલ રૂ. 21 હજાર, રતનાલ હાઈસ્કૂલ જે સ્કુલનાં જમીનના દાતા નંદલાલ ભાઈનાં પિતાજી જીવાભાઈ ગોપાલભાઈ આહિર છે ત્યાં રૂ. 11,111, કચ્છ કલ્યાણ સંઘ - ભુજ રૂ. 21 હજાર, ભારતીય જનતા પાર્ટી - કચ્છ કાર્યાલય નિર્માણ માટે રૂ. 1,01,111, ગામ મિસરિયાડો (બન્ની) જ્યાં રામદેવપીર મંદિર નંદલાલ ભાઈ દ્વારા છ મહિના પહેલાં બંધાવી આપ્યો છે
ત્યાં કોલી વાઢા સમાજના સમૂહ ભોજનનો ખર્ચ જે આવે તે, પશ્ચિમ કચ્છ કોલી સમાજ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના કચ્છ આયોજીત ચોથા સમુહ લગ્ન ઉત્સવ નખત્રાણા ખાતેના આયોજનમાં રૂ. 23 હજાર આ ઉપરાંત ઠાકર કૃષ્ણ મંદિર-રતનાલ, રામ મંદિર - રતનાલ, રામદેવ પીર મંદિર અને ભોજનાલય અને હનુમાનજી મંદિર - રતનાલ, કાંકેશ્વર મંદિર - રતનાલ, મેકણ દાદા મંદિર-ધ્રંગ વગેરે જગ્યાઓએ દાન આપવામાં આપવામાં આવ્યું છે.
મોટા પુત્રના લગ્નમાં પણ રૂ. 30 લાખનું દાન કર્યું હતું
નંદલાલભાઈના મોટા પુત્ર વિજયના લગ્ન વર્ષ 2014માં થયા હતા. તે સમયે પણ તેમણે પ્રસંગ તો સાદગીથી જ ઉજવ્યો હતો. પરંતુ લગ્નના પ્રસંગોમાં થનાર ખર્ચનું અંદાજ કાઢી તેમણે સેવાના કાર્ય પાછળ નાણાં ખર્ચવાનો નિર્ધાર કરી અંદાજીત રૂ. 30 લાખનું દાન કર્યું હતું.
રતનાલના અન્ય આગેવાને પણ લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા કરવાની જગ્યાએ તે પેટેની રકમ આપી દાનમાં
જિલ્લા કિસાન સંઘના પૂર્વ પ્રમુખ માવજીભાઈ ગોવિંદભાઈ જાટીયાના પુત્ર દીપકભાઈના લગ્ન પ્રસંગે પણ તેમના પરિવાર તરફથી લગ્નના ખોટા ખર્ચની જગ્યાએ દાન કરવાનું વિચારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા સાધના કચ્છને રૂ .1,01,000, ભારતીય કિસાન સંઘ - કચ્છને રૂ.51 હજાર, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છને રૂ. 51 હજાર, વિવેકાનંદ ટ્રસ્ટ મમુઆરા ગૌશાળાને રૂ. 51 હજાર, મમુઆરા આહિર સમાજને રૂ. 51 હજાર, નાડાપા ગૌશાળાને રૂ. 1 લાખ રૂપિયાનું દાન આપી સરાહનીય ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.