ભૂમાફિયાઓ બેફામ:તંત્રને ચકમો આપવા ઉત્તરપ્રદેશ પાસીંગની ગાડીઓથી રતનાલ-મોડસરના સિમાડામાં ખનીજની બેફામ ચોરી

અંજાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂમાફિયાઓએ હવે ખનીજ ચોરી કરવા નવો કીમિયો અજમાવ્યો
  • 3 મહિના પહેલા જ આ વિસ્તારમાં વિક્રમી દરોડો પાડી 50.23 કરોડના પ્રતિબંધીત બોક્સાઇટની ચોરી ઝડપી હતી જોકે હવે તંત્રની ચૂપકિદી સામે ઉઠતા સવાલો

અંજાર તાલુકાના રતનાલ-મોડસર વચ્ચે ગત 3 જાન્યુઆરીએ પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા મધ રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરોડો ઐતિહાસિક સાબિત થયો હતો અને 50.23 કરોડની ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી. જે બાબતે ભૂસ્તરશાસ્ત્રી દ્વારા પોલીસ મથકની જગ્યાએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ દરોડાને હજુ માત્ર 3 મહિના થયા છે ત્યાં ફરી આ જ વિસ્તારમાં ભૂમાફિયાઓએ તંત્રને ચકમો આપવા નવા કીમિયા સાથે ચાઈનાકલેના નામે પ્રતિબંધિત બોકસાઈટની ચોરી કરવાનું શરૂ કરી દીધું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.

આ અંગે મળતી માહિતી મુજબ જાન્યુઆરી મહિના બાદ રતનાલ-મોડસર તેમજ આસપાસના વિસ્તારમાં અચાનક યુ.પી. પાર્સિંગની ગાડીઓ દોડવા લાગી છે. મોડસર સીમની 279 પૈકીની સરકારી પડતર જમીન પર ખનીજ ચોરી થતી હોવાનો પર્દાફાશ થયા બાદ ભૂસ્તરશાસ્ત્રી, આર.ટી.ઓ. અને પોલીસ વિભાગ આ વિસ્તાર પર નજર રાખી રહ્યા હોવાથી તંત્રને ચકમો આપવા સ્થાનિક વાહનોની જગ્યાએ યુ.પી. પાર્સિંગની ગાડીઓ વડે આ ચોરી કરવામાં આવી રહી હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

બહારની ગાડી મોટા ભાગે પુરા કાગળો અને નિયમ મુજબ જ ચાલતી હોવાથી તંત્રને તે ગાડીઓ પર શક ન જાય તેવા નવા કીમિયા સાથે ચાઈનાકલેના નામે પ્રતિબંધિત બોકસાઈટ અને બેન્ટોનાઈટની ચોરી કરાઈ રહી છે. તો બીજી તરફ આ રાજ્ય બહારની ગાડીઓ પણ કોઇપણ જાતના કાગળો વગર જ લાવવામાં આવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જેથી જો આ બાબતે તંત્ર ઊંડી તપાસ કરે તો ખનીજ ચોરી ઉપરાંત અન્ય ગેરકાયદેસરની પ્રવૃતિઓ પણ બહાર આવી શકે તેમ છે.

આ બાબતે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંહ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલે આ બાબતે અમને કોઈ ફરિયાદ નથી મળી. તેમ છતાં આ બાબતે અમે સ્થાનિકે તપાસ કરશું અને જો જરૂર જણાશે તો કાર્યવાહી પણ કરશું.

ખનીજ ચોરો ગાંધીનગર જઈ સેટિંગ કરી આવ્યા..!?!
સ્થાનિક રાજકીય અગ્રણીઓના સથવારે જિલ્લા બહારથી આવેલા ભૂમાફિયાઓ દ્વારા આ ખનીજ ચોરી કરવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક તંત્રએ મોટો દરોડો પાડ્યા બાદ હવે બીજી વખત દરોડો પાડવામાં ન આવે તે માટે ખનીજ ચોરોએ છેક ગાંધીનગર કક્ષાએથી સેટિંગ કર્યું હોવાની વાતો પણ બહાર આવી છે. જો આ વાત ખરેખર સાચી હોય તો હવે પછી આ વિસ્તારમાં ક્યારે દરોડો જ નહિ પડે અને પડશે તો પણ તંત્રના હાથે કઈ નહી આવે..!!

અન્ય સમાચારો પણ છે...