રોગચાળો:વરસાદ બાદ અંજારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોનું પ્રમાણ વધ્યું

અંજાર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો ભરાવો, પાલિકા કરે છે માત્ર ડીડીટીનો છંટકાવ

અંજારમાં પડેલા ભારે વરસાદ બાદ મચ્છર-માખીઓનો ત્રાસ ખુબ વધ્યો છે. જેના કારણે હાલે શહેરમાં મલેરિયા, ડેન્ગ્યુના ખુબ મોટા પ્રમાણમાં કેસો આવી રહ્યા છે. ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય તે માટે પાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ અંજારમાં એક સાથે પડેલા 8 ઇંચ વરસાદ બાદ શહેરમાં માખી અને મચ્છરોનો ત્રાસ વધી ગયો છે.

સામાન્ય રીતે દર વર્ષે શ્રાવણ મહિનામાં માખી અને મચ્છરો મોટા પ્રમાણમાં ઉપદ્રવ મચાવતા હોય છે તેવી જ રીતે આ વર્ષે પણ પરિસ્થિતિ આકાર પામી છે. પરંતુ આ ઉપદ્રવના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. ખાનગી હોસ્પિટલની વાત કરીએ તો દરરોજ 10 કેસો મલેરિયા અને અંદાજે 15 જેટલા ડેન્ગ્યુના કેસો સામે આવી રહ્યા છે. આ ઉપરાંત ચિકનગુનિયાના પણ એકલ દોકલ કેસો સામે આવ્યા છે.

જેમાં સૌથી વધુ વાયરલ ફીવરના કેસોનો સમાવેશ થઇ રહ્યો છે. તો બીજી તરફ પાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવ્યો છે, પરંતુ ડીડીટી કરતા તેમાં પાવડરનો ભાગ વધુ હોવાથી મચ્છર-માખીઓને રોકવામાં તે આયોજન સફળ રહ્યો નથી. તો બીજી તરફ શહેરમાં ક્યાય ફોગીંગ મશીનોનો ઉપયોગ કરાયો જ નથી તેવું ખુદ પાલિકાના સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

હવન સામગ્રી અને કપૂરનો ધૂપ કરવાથી ફાયદો મળશે
આ અંગે આયુર્વેદિક સ્ટોરના સંચાલક ડી.સી. ઠક્કર સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, ઘરમાં ગુગળ, કપૂર અને હવન સામગ્રી વડે ધૂપ કરવામાં આવે તો મચ્છર અને માખીથી રાહત મળશે અને ઘરમાં સ્વચ્છ વાતાવરણ ઉત્પન્ન થવાની સાથે સકારાત્મક વાતાવરણ ઉત્પન્ન થશે અને બીમારીઓ પણ ચાલી જશે.

અન્ય સમાચારો પણ છે...