રજૂઆત:અંજાર પાલિકાની સામાન્ય સભામાં 17 કામો મંજુર થયા પણ માત્ર કાગળ પર રહ્યા

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષે પણ કામો શરુ કરવામાં ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા, વિપક્ષે પણ રજૂઆત કરી

અંજાર નગરપાલિકામાં જ્યારથી નવી બોડી આવી છે ત્યારથી યોજવામાં આવેલી સામાન્ય સભાઓમાં કામોને મંજુર તો કરવામાં આવ્યા છે પરંતુ તે માત્ર કાગળ પર જ રાખી કામ શરુ કરવામાં આવ્યા નથી. નવી બોડી દ્વારા એવા 17 કામો મંજુર કરાયા છે જેના વર્ક ઓર્ડર પણ નીકળી ગયા હોવા છતાં આજ દિવસ સુધી તે કામો શરુ કરવામાં ન આવ્યા હોવાથી વિપક્ષ દ્વારા પણ આ બાબતે રજૂઆત કરાઈ છે. તા. 19/6/2021થી આજ દિવસ સુધી અંજાર પાલિકા દ્વારા જુદા જુદા કામો મંજુર કરવામાં આવ્યા છે.

જેમાં રખડતા ઢોરોને પકડવા, વોર્ડ નંબર 4ની કર્મચારી સોસાયટી-2માં પાણીની લાઈન નાખવાનું કામ, એકતાનગર વિસ્તારમાં 5 લાખ ના ખર્ચે 18ના ડાયાની લાઈન નાખવાનું કામ, નગરપાલિકા કોલોનીમાં વિવિધ જગ્યાઓ પર ગટરની નવી લાઈનો નાખવાનું કામ, અંજાર નગરપાલિકા હસ્તકની નવા અંજાર લાયબ્રેરીને ઇ-લાયબ્રેરી બનાવવા ડીઝીટલ લાયબ્રેરી મેનેજમેન્ટ સોફ્ટવેર સહિતની કામગીરી, આગવી ઓળખની ગ્રાન્ટ માંગી છે અને તેમાં નક્કી કરવામાં આવેલા કામો બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઇ.

શિક્ષણ ઉપકરણની ગ્રાન્ટ માંથી મંજૂર થયેલા અંજાર શહેરની વિવિધ સ્કૂલોના કામો, પાલિકા માટે નવા વાહનો ખરીદી કરવાના હતા જેમાં હજુ પણ 3 મશીનની ખરીદી કરવાની બાકી છે, શહેરમાં સર્વે કરવા એજન્સી નિમણુંક કરી હતી પરંતુ સર્વે થયો નથી, ડોર ટુ ડોર અને સફાઈની કામગીરી તથા ડ્રેનેજ સફાઈની કામગીરી માટે એજન્સની નિમણૂક કરવી, દેવળીયા નાકા પબ્લિક પાર્કમાં ઓપન જીના સાધનો ખરીદ કરવા માટે 15માં નાણાં પંચની ગ્રાન્ટ માંથી ખરીદવા મંજૂરી આપેલી છે છતાં ખરીદાયેલા નથી.

શહેરના તમામ વોર્ડમાં 30 લાખના ખર્ચે રોડ બનાવવાનું નક્કી કર્યું હતું જેમાં વોર્ડ નં. 4માં નક્કી કરેલ રોડના કામો હજુ સુધી શરૂ થયા નથી, .15માં નાણાપંચની ગ્રાન્ટ માંથી રૂ. 72,24,374ના મંજુર થયેલા કામો હજુ સુધી શરૂ નથી થયા, સવાસર તળાવમાં 4 લાખના ખર્ચે સી.સી.ટી.વી કેમેરા લગાવવાનું કામ, શહેરમાં વધુ સી.સી.ટી.વી કેમેરા લગાવવા માટે 10 લાખનો ખર્ચ મંજૂર કર્યો છે, જે કામ પણ શરુ ન થયો, સવાસર તળાવમાં પીવાના પાણીનો પરબ આર.ઓ.વોટર કૂલરની સુવિધા તથા કલર લાઇટિંગ અને ડેકોરેટિવ ડસ્ટબીન લગાવવા માટે 10 લાખ મંજૂર કર્યા પણ કામ શરુ ન થયું.

શહેરની તમામ સોસાયટીઓમાં મહિનામાં 3 વાર સફાઈ કરવામાં આવે છે, તેવું ખુદ પ્રમુખે કહ્યું છે પણ હકીકતે મહિનામાં એક વાર પણ સફાઈ થતી નથી. તમામ કામના ઠરાવો થયાને ઓછામાં ઓછો એક વર્ષથી થઇ ગયો છે, એજન્સી નીમી ગઈ છે અને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા છતાં કામો શરુ કરવામાં ન આવતા અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા છે. અંજાર પાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...