આજરોજ અંજાર એ.આર.ટી.ઓ કચેરી ખાતેથી રૂ.195 કરોડના વિવિધ વિકાસ કામો અંજાર મત વિસ્તારમાં લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયા છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષા ડો.નીમાબેન આચાર્યની ઉપસ્થિતિ અને માર્ગ અને મકાન, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે પૂર્વ કચ્છની રૂ. 8.52 કરોડના ખર્ચે નવનિર્મિત સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, અંજારનું લોકાર્પણ કરાયું હતું તેમજ અંજાર મતવિસ્તારના રૂ.48.90 કરોડના ખર્ચે વિવિધ પાંચ રસ્તાના રીસર્ફેસીંગ કામોનું ઈ-ભૂમિપૂજન કરાયું હતું.
જે પૈકી રૂ.8.50 કરોડના કનૈયાબે-જવાહરનગર રોડ, મુન્દ્રાનો રૂ.29.70 કરોડના ખર્ચે આદિપુર-ભદ્રેશ્વર મુન્દ્રા રોડ તેમજ અંજારમાં રૂ. 3 કરોડના ખર્ચે અંજાર વીડી રોડ તેમજ રૂ. 3.70 કરોડના ખર્ચે વીડી દેવળીયા કુંભારીયા રોડ, રૂ. 4 કરોડના ખર્ચે ભુજ-અંજાર-ગાંધીધામ રોડનું ઈ- ભૂમિપૂજન કરાયું હતું.
અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિરે પૂર્ણેશ મોદીને અંજારમાં સેવાસદન બહુમાળી ભવન બનાવવાની રજૂઆત કાર્યક્રમની શરૂઆતમાં કરી હતી. જે રજૂઆત સંદર્ભે પુર્નેશ મોદી દ્વારા તાત્કાલિક સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી હતી અને સર્વેની કામગીરી પૂરી કરી જરૂરી કાર્યવાહી કરવાની ખત્રી પણ આપી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અંજાર તાલુકા પંચાયત પ્રમુખ રાજીબેન આહીર, અંજાર નગરપાલિકા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, ભરતભાઈ શાહ, વસંતભાઈ કોડરાણી, ગોપાલભાઈ માતા, કાનજીભાઈ શેઠ, ડેની શાહ, જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, એ.આર.ટી.ઓ એન.એન.બક્ષી, નાયબ ઈજનેર આર.એલ.બલદાણિયા તેમજ જિલ્લા અને તાલુકાના અગ્રણી પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંજાર ઉપરાંત ગાંધીધામ, ભચાઉ, રાપરના લોકોના ભુજના ધક્કા નહી પડે
એ.આર.ટી.ઓ. સી.ડી.પટેલે જણાવ્યું હતું કે, એ.આર.ટી.ઓ. કચેરી અંજારમાં કાર્યરત થવાથી આર.ટી.ઓ ભુજ કચેરીનું કામ ભારણ ઘટશે અને તમામ કામગીરી હવે અંજારમાં જ થઇ જશે જેથી અંજાર ઉપરાંત ભચાઉ, રાપર અને ગાંધીધામમાં રહેતા લોકોને ભુજ સુધી ધક્કા નહિ ખાવા પડે. કામગીરીની દ્રષ્ટિએ પાંચમાં ક્રમે આવતી આર.ટી.ઓ કચ્છ કચેરીમાં 88 હજાર ઉપરાંત વાહનો રજીસ્ટ્રેશન થયેલા છે. ત્યારે પૂર્વ કચ્છમાં નવી કચેરીના કાર્યરત થવાથી અરજીઓનો ઝડપી નિકાલ થશે. જેનો લાભ તમામને મળશે.
બહુમાળી ભવન બનાવવાની વાત 5 વર્ષે આગળ વધી, મંત્રીની તુરંત મંજુરી
ગત વિધાનસભાની ચુંટણી પહેલા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર દ્વારા અંજારમાં બહુમાળી ભવન બને તે માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ ચૂંટણી આવી જતા આ વાત અભેરાઈએ ચડી ગઈ હતી. જે બાદ વિધાનસભામાં પણ રજૂઆત કરવામાં આવી હતી. જેની અસર એવી થઇ કે જયારે એ.આર.ટી.ઓ.ના લોકાર્પણ પ્રસંગે જયારે મંચ પરથી બહુમાળી ભવન અંજારમાં બને તેવી રજૂઆત કરવામાં આવતા મંત્રી પુર્નેશ મોદીએ તાત્કાલિક સૈદ્ધાંતિક મંજુરી આપી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.