અકસ્માત:મુન્દ્રામાં બોલેરોની હડફેટે 2 વર્ષના બાળકનો જીવનદીપ બુઝાયો

અંજાર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માખેલ ટોલ પ્લાઝા નજીક ટ્રેઇલરના પાછળ ટ્રક અથડાતા ચાલકનું મૃત્યુ

મુન્દ્રાના સોસાયટી વિસ્તારમાં પાણીની ડીલેવરી કરતા વાહનના ચાલકે કુમળી વયના બાળકને બેદરકારી પૂર્વક હડફેટે લઇ સ્થળ પરથી પલાયન થઇ જતાં 2 વર્ષના બાળકનો જીવનદીપ બુઝાયો હતો તો બીજી તરફ માખેલ ટોલ પ્લાઝા નજીક ટ્રેઇલરમાં પાછળથી અથડાતા ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મૃત્યુ થયું હતું.

બનાવ અંગે મુન્દ્રા પોલીસ મથકેથી હતભાગી મૃતકના પિતા લાખાભાઇ કરમશીભાઇ ગોયેલ (રહે-હાલ સાનિયા પ્રોપર્ટી-મુન્દ્રા મૂળ સુરેન્દ્રનગર)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ આ બનાવ 10/5ની સવારે 11 વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં સાનિયા પ્રોપર્ટી સ્થિત પોતાના ઘરની બહાર રમી રહેલા તેમના પુત્ર ધ્રુવરાજ (ઉ.વ.2)ને યશ એન્ટરપ્રાઇઝના પાણીની ડીલેવરી કરતી કાચા રજી નં એમ એચ 47 ટી સી 117/39 નંબરની બોલેરોના ચાલકે બેદરકારી પૂર્વક હંકારીને હડફેટે લેતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવને પગલે બાળકને તાત્કાલિક સારવાર અર્થે સ્થાનિક સીએચસીમાં ખસેડાતાં ત્યાં સારવાર મળે તે પહેલા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો.

બીજો બનાવ માખેલ ટોલ પ્લાઝા નજીક બન્યો હતો. જેમાં આડેસર પોલીસ મથકેથી બાડમેર, રાજસ્થાન રહેતા 22 વર્ષીય પવનકુમાર બિશ્નોઈની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 9/5ના રાત્રે તે માખેલ ટોલ પ્લાઝા તરફ ટ્રેઇલર લઈને આવી રહ્યો હતો ત્યારે ટોલ પ્લાઝાથી અડધા કિલો મીટર પહેલા એક ટ્રકના ચાલકને પાછળથી જોરદાર ટક્કર મારી હતો. જે બાદ તે કેબીનમાં દબાઈ જતા સ્થાનિકો દ્વારા તેને ટ્રક માંથી બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ લઇ જવામાં આવ્યો હતો. પરંતુ સારવાર સાંપડે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...