અંજાર વિસ્તારમાં હડકંપ:મેઘપર-કું.માં યુવતીને 8 વર્ષથી પજવતા એક તરફી પ્રેમીએ જામીન પર છૂટતા જ 13મી વખત હુમલો કર્યો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છરીના ઘા મારી અપહરણ કર્યા બાદ પીડિતાની બહેનને પણ ફટકારી
  • વર્ષોથી લાજ કાઢતી અંજાર પોલીસે આખરે આરોપીને ઝડપી લીધો

સુરતની ગ્રીષ્માનો કેસ હોય કે તાજેતરનો ઝારખંડના બનાવમાં યુવતીને મારી નાખવા કે પજવવાના બનાવો દેસભર માં ચર્ચાનો વિષય બન્યા છે, ત્યારે અંજાર તાલુકાના મેઘપર-કું.માં આવા જ એક તરફી પ્રેમીએ વર્ષ 2014 એટલે કે સતત 8 વર્ષ સુધી એક યુવતીની પજવણી અને છેડતી કર્યા પછી જામીન પર છૂટ્યાના ત્રીજા જ દિવસે યુવતીને છરીના ઘા મારી તેનું અપહરણ કરી જઈ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા અંજાર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

13મી વખત ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની અટક
યુવતીએ આરોપી વિરુદ્ધ 12 કેસો નોંધાવ્યા હોવા છતાં અંજાર પોલીસ આરોપીને ઝડપી શકી ન હતી ત્યારે 13મી વખત ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીની અટક કરી છે. બનાવ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, શનિવારે બપોરે 3-30 વાગ્યે ભોગ બનનાર યુવતી અંજાર તાલુકાના મેઘપર-કું.માં આવતી બંસરી વિલા સોસાયટી માંથી કામ કરીને ઘરે પરત જતી હતી, ત્યારે મેલડી માંના મંદિર પાસે અંજારના મોટી નાગલપર ગામે રહેતો ધર્મેશ ઉર્ફે ધમો રામજી ટાંક દ્વિચક્રીય વાહન લઈને આવ્યો હતો.

હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોચી
અગાઉ કરેલાં પોલીસ કેસો પાછાં ખેંચી લેવાની ધમકી આપી છરી વડે તે યુવતી પર તૂટી પડ્યો હતો. યુવતીના જમણા હાથની કોણી નીચે, કાંડા પાસે, જમણી આંખ, માથામાં છરી વડે વડે હુમલો કરતા તેને ગંભીર ઈજાઓ પહોચી હતી. જે બાદ મારે તો તારી સાથે જ લગ્ન કરવા છે, તું મારી સાથે ચાલ તેવું કહી યુવતીને વાહન પર બળજબરીથી બેસાડી તેનું અપહરણ કરી ગયો હતો. થોડેક આગળ રસ્તામાં યુવતીની બહેન મળતાં આરોપીએ તેનું વાહન થોભાવી કેસ કરાવવા વાળી તું જ છો તેવું કહી ફરી બંને બહેનોને માર મારવા લાગ્યો હતો. હવે કેસ કરતી નહીં, નહિંતર હવે તારી માંને પતાવી દઈશ તેમ કહી જતો રહ્યો હતો. જે બનાવ બાદ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને દબોચી લીધો હતો.

આરોપી નિવૃત તાલુકા વિકાસ અધિકારીનો પુત્ર
સુત્રોના જણાવ્યા મુજબ આરોપી ધર્મેશ ઉર્ફે ધમો અંજારના નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી રામજીભાઈ ટાંકનો પુત્ર છે. યુવતી જયારે 17 વર્ષની હતી ત્યારથી તેની પાછળ એક તરફી પ્રેમમાં પાગલ હતો. વર્ષ 2014માં આરોપીએ યુવતી પર જાહેરમાં હુમલો કરી, શારીરિક છેડતી અને અડપલાં કરી ધાક-ધમકી કરી હતી. જે બદલ પ્રથમ વખત યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.

આરોપી સામે વિવિધ ગુનાઓમાં 13 ફરિયાદો કરાઇ
આ અંગે અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2014થી આરોપી વિરુદ્ધ યુવતીએ પોક્સો, છેડતી, મારામારી સહિત કુલ 13 કેસો નોંધાવ્યા છે. છતાં આરોપીએ યુવતીનો પીછો છોડ્યો નથી.

યુવતીએ નોંધાવેલા પોક્સો હેઠળના કેસમાં ત્રણ દિવસ પહેલા જ જામીન મળ્યા હતા
2014 યુવતી કરેલી પોક્સો એક્ટ હેઠળની ફરિયાદમાં હાઇકોર્ટ દ્વારા 3 દિવસ પહેલા જ શરતોને આધીન જામીન આપવામાં આવ્યા હતા. તા. 31/8ના તે જામીન પર બહાર આવ્યો અને ત્રીજા જ દિવસે તેણે ભોગ બનનાર યુવતી પર જીવલેણ હુમલો કર્યો.

આરોપી વિરુદ્ધ 24 જેટલા ગુના પોલીસમાં દર્જ
આ અંગે સુત્રોના જણાવ્યા મુજબ 2014થી અત્યાર સુધીમાં આરોપી વિરુદ્ધ બળાત્કાર, છેડતી, અપહરણ, મારામારી, ધાક-ધમકી આપવી, ઘરફોડ ચોરી, દારૂબંધી વગેરે સહિતના કુલ 24 જેટલાં ગુના નોંધાયેલાં છે. અંજાર ઉપરાંત રાજકોટ, ભુજ બી ડિવિઝન, પધ્ધર, માંડવી, માનકૂવા વગેરે પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુના દર્જ કરેલા છે.

અન્ય સમાચારો પણ છે...