ચીમકી:અંજારમાં ત્રણ વર્ષ પહેલા નીકળેલો બદલીનો ઓર્ડર શિક્ષક સુધી ન પહોંચ્યો

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમિતિએ શિક્ષકે નામજોગ કરેલી અરજીનો જ જવાબ ન આપ્યો!!
  • શાળાના આચાર્યે 6 મહિના પહેલા કરેલી અરજીનો જવાબ ન આપતા ધરણાની ચીમકી

ભ્રષ્ટાચારનું ઘર કહેવાતી અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ફરી એક વખત ચર્ચામાં આવી છે. અગાઉ થયેલા ભ્રષ્ટાચાર ઓડીસ સમયે કાગળ પર આવી ગયા હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઇ નથી. તેવામાં ફરી 3 વર્ષ પહેલા એક શિક્ષકનો બદલીનો ઓર્ડર નીકળ્યો હતો તે હજુ સુધી તે શિક્ષક પાસે પહોચ્યો નથી અને બારોબાર સેટિંગ કરી લેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ ઉઠી છે. જે બાબતે શાળાના આચાર્યે 6 મહિના પહેલા લેખિત અરજી કરી હોવા છતાં સમિતિએ કોઈ જવાબ આપ્યો ન હોવાથી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જે બાદ સમિતિના સભ્યો અને અધિકારીઓ દોડતા થઇ ગયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર 16માં ફરજ બજાવતા એક શિક્ષકનો 3 વર્ષ પહેલા બદલીનો ઓર્ડર નીકળ્યો હતો. પરંતુ આ ઓર્ડર શિક્ષકને આપવાની જગ્યાએ સમિતિ દ્વારા સેટિંગ કરી કાગળ સગેવગે કરી નાખવામાં આવ્યો હતો. જે બાબત શાળાના મુખ્ય શિક્ષકના ધ્યાને આવતા સમિતિને આ બાબતે લેખિતમાં 6 મહિના પહેલા જાણ કરવામાં આવી હતી. પરંતુ આ અરજીનો જવાબ પણ આપવામાં આવ્યો ન હતો.

જે બાદ પણ અનેક વખત આચાર્ય દ્વારા રજૂઆત કરવામાં આવતા સમિતિએ દાદ ન આપતા આખરે 5 તારીખના શિક્ષક દિવસે જ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા સમિતિ દોડતી થઇ હતી અને આચાર્યને કચેરીએ બોલાવી સમાધાનની વાતો કરવામાં આવી હતી. આ અંગે અંજાર શિક્ષણ સમિતિના શાસનાધિકારી દિવ્યરાજસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, ધરણા કરવા અંગેનો પત્ર આવ્યો છે તે વાત સાચી છે. સમિતિના હોદ્દેદારો દ્વારા શાળા નં. 16ના મુખ્ય શિક્ષકને બોલાવવામાં આવ્યા હતા અને અમે તમામે સાથે બેસી યોગ્ય કરવાની ખાતરી પણ આપી છે.

સમિતિએ નનામી અરજી પર તપાસ બેસાડી શિક્ષકોને માનસિક ત્રાસ આપ્યો- મુખ્ય શિક્ષક
આ અંગે અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નં. 16ના મુખ્ય શિક્ષક મેહુલભાઈ દવે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, 3 વર્ષ પહેલા મારી શાળાના એક શિક્ષકની બદલીનો ઓર્ડર નીકળ્યો હતો તે હજુ સુધી અમને મળ્યો નથી. જે બાબતે સમિતિને પત્ર લખ્યો તો કોઈ પ્રત્યુતર જ આપવામાં નથી આવ્યો, થોડા સમય પહેલા સમિતિને કોઈએ નનામી અરજી કરી હતી. જે અરજીને ઢાલ બનાવી શિક્ષકોને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો અને શાળાનું વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

પરંતુ મેં નામજોગ અરજી કરી તો મને જવાબ ન આપ્યો અને હજુ સુધી કોઈ કાર્યવાહી પણ નથી કરાઈ, જેથી શાસનાધિકારીની નીતિનો વિરોધ છે અને વિરોધના ભાગ રૂપે મેં ધરણાની ચીમકી આપી છે. અધિકારી અને પદાધિકારીએ મને બેઠકમાં બોલાવ્યો હતો. પરંતુ જો નિરાકરણ નહીં આવે તો 5 તારીખે ચોક્કસ ધરણા પર ઉતરીશ.

શિક્ષકોના સોશિયલ મીડિયા ગ્રુપમાં વાતો થતાં ભાંડો ફૂટ્યો
શાળા નં. 16ના મુખ્ય શિક્ષક દ્વારા ધરણા કરવાની ચીમકી આપવામાં આવી છે તે વાત શિક્ષકોના સોશ્યલ મીડિયા ગ્રુપમાં વહેતી થઇ હતી. જેના કારણે સમિતિના પાપનો ભાંડો ફૂટી પડ્યો હતો અને વાત લીક થઇ જતા મુખ્ય શિક્ષકને શાંત પાડવા બેઠક યોજવામાં આવી હોવાની ચર્ચાઓ પણ ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...