શુક્રવારે વહેલી સવારે પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા સુરજબારી પાસેની ચેકપોસ્ટ પરથી ખનીજ ભરેલા વાહનોને પસાર થવા દેવામાં ન આવતા ગભરાયેલા ભૂમાફિયાઓએ ચોરાઉ ખનીજ ભરેલા 52 જેટલા ડમ્પરો ટોલનાકા પાસેની અલ્ફા હોટલના ગ્રાઉન્ડમાં ઉભી રાખી દીધી હતી. જે બાદ ખાણ ખનીજની ટીમે જીવના જોખમે તે સ્થળે દરોડો પાડી પોલીસને બોલાવી હતી. પરંતુ પોલીસ આવે તે પહેલા જ ડમ્પર ચાલકો ચોરાઉ ખનીજ હોટલના ગ્રાઉન્ડમાં જ ખાલી કરી નાસવા લાગ્યા હતા. જેમાં 41 ડમ્પરો ચાલકો નાસી જવામાં સફળ રહ્યા હતા. તો 11 ડમ્પર તંત્રના હાથે ચડી ગયા હતા.
દરોડા બાદ એકસનમાં આવેલી ખાણ ખનીજ વિભાગની ટીમે નાસી ગયેલ તમામ વાહનોના નંબર મેળવી લીધા હતા. પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંગે જણાવ્યું હતું કે, 41 ડમ્પર સાથે તેનું પાયલોટીંગ કરી રહેલી 2 કારના પણ નંબર મળ્યા છે. જેથી નાસી ગયેલા વાહનો ઉપરાંત ઝડપાઈ ગયેલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવાની થતી હોવાથી આર.ટી.ઓ. પાસેથી મળેલા નંબરના આધારે વાહનોના માલિકોની તપાસ કરવામાં આવી રહી છે. જેથી સોમવારે તમામ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે.
હાલે હોટલના ગ્રાઉન્ડમાં કેટલો ખનીજ ખાલી કરવામાં આવ્યો છે તેની ગણતરી કરી શકાય તેમ ન હોવાથી 1 ગાડીમાં 60 ટન ગની કુલ અંદાજીત 3100 ટન જેટલો ખનીજ હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો પૂર્વ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમે જો સમયસર દરોડો ન પાડ્યો હોત તો 3100 ટન જેટલો ચોરાઉ ખનીજ જિલ્લા બહાર પગ કરી ગયો હોત.
ખાણ ખનીજની ટીમે કાર્યવાહી કરી હવે પોલીસ ક્યારે કરશે?
ખાણ ખનીજ વિભાગના માત્ર 6-8 લોકોએ જીવના જોખમે કાર્યવાહી કરી તમામ વાહનોનું વિડીયો લીધું હતું. જેના કારણે જ નાસી ગયેલા વાહનોના નંબર મળી શક્યા હતા. જેથી હવે નાસી ગયેલા વાહનોને શોધવાનું કામ પોલસને કરવાનું હોય છે. પરંતુ નંબર મળી ગયા બાદ પણ પોલીસ જાણે સુસુપ્ત અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. અગર તમામ નાસી ગયેલા વાહનોના ચાલકોને ઝડપી લેવામાં આવે તો મોટા પ્રમાણમાં ખનીજ ચોરોને ઝડપી શકાય તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.