પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી પછી ભાજપથી નિષ્કાસિત નેતા નુપુર શર્મા વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. ત્યારે અંજારમાં પણ નુપુર શર્માના પોસ્ટર છપાવી દીવાલની જગ્યાએ રોડ પર છોડી લોકો તેના પર પગ દઈ ચલે તેવી રીતે તેની ધરપકડની માંગ કરી અનોખા પ્રકારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ગુરુવારે રાત્રે 11-30 વાગ્યા બાદ આ પોસ્ટર અંજારના જાહેર માર્ગો પર લગાવવામાં આવ્યા હતા. ગંગાનાકાથી 12 મીટર રોડ થઇ દેવડિયા નાકા સુધી, ઉપરાંત ગંગાનાકાથી નગરપાલિકા થઇ દેવડિયા નાકા સુધી તથા દેવડિયા નાકાથી સવાસર નાકા સુધી આ બેનરો લગાવવામાં આવ્યા હતા. સવારે અચનક નુપુર શર્માની ધરપકડ કરો તેવા પોસ્ટરો માર્ગ પર ચોટેલા દેખાતા લોકો આશ્ચર્યમાં પણ મુકાયા હતા. જે બાદ આ વાત પોલીસને ધ્યાને આવતા અંજાર નગરપાલિકાની મદદથી આ ચોંટાડવામાં આવેલા પોસ્ટરો ઉખેડવામાં આવ્યા હતા.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ શહેરની શાંતિ ભંગ ન થાય તે માટે આ પોસ્ટરો હટાવવામાં આવ્યા છે. જોકે આ પોસ્ટરો કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે. અત્રે ઉલ્લેખનીય છે કે નુપુર શર્માનો વિડીયો વાયરલ કરવામાં આવતા ભચાઉમાં ફોજદારી ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે અંજાર શું આ પ્રકારના પગલા અંજારમાં પણ ભરવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું.
ભચાઉમાં ભડકાઉ ભાષણ સ્ટેટસમાં રાખનાર સામે ફરિયાદ
ભચાઉમાં નૂપુર શર્માનું મુસ્લિમ સમાજની લાગણી દુભાવતું ભડકાઉ ભાષણ પોતાના સોશિયલ મીડિયાના સ્ટેટસમાં રાખનાર વિરૂધ્ધ ફોજદારી નોંધાવાઇ હતી. ભચાઉ નગરપાલિકા પાસે રહેતા ઇકબાલ સિકંદર શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.8/6 ના રાત્રે સાડા દશ વાગ્યે ભચાઉના વિજયસિંહ રાણાએ પોતાના મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામના સ્ટેટસમાં નૂપુર શર્માએ મુસ્લીમ સમાજની લાગણી દુભાવતું કરેલું ભડકાઉ ભાષણ રાખી મુસ્લિમ સમાજની લાગણી દુભાવી છે. ભચાઉ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છની કોમી એકતા વિશ્વ માટે એક મિશાલ છે ત્યારે આવા અટકચાળા કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગ ઉઠી રહી છે.
પયગમ્બર વિશે ટીપ્પણી કરનારા સામે કાર્યવાહી કરો
મોહમદ પયગમ્બર વિશે વાંધાજનક ટીપ્પણી કરનારાઅો સામે કાયદેસરની કાર્યવાહી કરવા કચ્છમાંથી માંગ ઉઠી છે. તાજેતરમાં અેક ટીવી ડિબેટમાં નૂપુર શર્મા અને નવીન જિંદાલે ભાઇચારા અને શાંતિના પર્યાય હજરત મોહમદ પયગમ્બર વિશે અશોભનીય અને અપમાનજનક નિવેદનો કર્યા હતા, જેના કારણે મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાઇ છે. અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલ અેમ. રાયમાઅે મુખ્યમંત્રી અને કચ્છ કલેક્ટરને લેખિત રજૂઅાત કરી નૂપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડ કરી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને દેશની કોમી અેકતામાં પલીતો ચાંપનારાઅો સામે પણ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.