અંજાર તાલુકાના વરસાણા ગામ નજીક આવેલી ચોકડી જાણે ગુનાખોરીનું હબ બની ગયું છે, અહીંથી ખુલ્લેઆમ ગાંજો વેચાણ થતું હોવાથી દરોડા પાડવામાં આવ્યા છે અને તે પકડાઈ પણ ચુક્યા છે. આ વિસ્તારમાં ગાંજો ઉપરાંત પોશડેડા, દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે અને ઉઘાડ પગ ડોકટરો નિર્ભીક રીતે જોખમી પ્રેકટીશ કરી રહ્યા છે.
પરંતુ હપ્તા અને રાજકીય આગવાનોના પીઠબળના કારણે પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. પરિણામે અંજાર પોલીસના સુવાળા હાથ પહોંચે તે પહેલા પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમે વધુ એક વખત દરોડો પાડી 3.5 કિલો ગાંજાના જથ્થા સાથે 1 ઇસમની ધરપકડ કરી છે.
આ અંગે પૂર્વ કચ્છ એસ.ઓ.જી દ્વારા અપાયેલી વિગતો અનુસાર તેમને બાતમી મળી હતી કે વરસાણા ત્રણ રસ્તા પાસે આઈ.ઓ.સી પેટ્રોલ પંપ નજીક ત્રિપુરેશ્વરી પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં અમીરહુશેન અલીહુશેન તથા જવાહરદાસ હિમાંસુદાસ નામના ઈસમો ગાંજાનું વેચાણ કરે છે. જે બાતમી આધારે પૂર્વ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડો પાડ્યો હતો.
જે દરોડા દરમિયાન મૂળ ત્રિપુરા અને હાલે નંદગામમાં રહેતો આરોપી અમીરહુશેન રૂ. 35,380ની કિમતનો 3.538 કિલોના ગાંજાના જથ્થા સાથે ઝડપી ગયો હતો. જયારે તેનો પાર્ટનર જવાહરદાસ હાજર મળ્યો ન હતો. આ ઉપરાંત ગાંજાનો જથ્થો ક્યાંથી આવ્યો તે પૂછતાં એફ.સી.આઈ. રેલ્વે પાટા ઝુપડા, ગાંધીધામ ખાતે રહેતો પીન્ટુ વેદાનંદ યાદવ ગાંજાનો જથ્થો આપતો હોવાનું કબૂલ્યું હતું. આરોપી પાસેથી 41,080ની મત્તા કબ્જે લઈ અંજાર પોલીસના હવાલે કર્યો હતો.
એસ.ઓ.જી.ના દરોડા બાદ હવે કોનો ભોગ લેવાશે?
વરસાણા ચોકડી પર ચાલતા ગોરખ ધંધાઓ હપ્તાના જોરે જ ચાલતા હોવાના અનેક વખત આક્ષેપો ઉઠી ચુક્યા છે. સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી ન કરતી હોવાથી અવર નવર સ્પેશ્યલ ટીમો આ વિસ્તારમાં દરોડો પડે છે અને બાયો ડીઝલ, ગાંજો, દારૂ અને નકલી ડોકટરોને પકડે છે.
ત્યારે હવે એસ.ઓ.જી.એ 3.5 કિલો ગાંજાનો મોટો જથ્થો ફરી વખત અંજાર પોલીસની હદમાં ઝડપી લેતા હવે કોનો ભોગ લેવાશે તે જોવો રહ્યો, કારણ કે દર વખતે અધિકારીઓને માફી અને નાના કર્મચારીઓનો ભોગ લેવો એ જ અંજાર પોલીસ સ્ટેશનમાં આજ સુધી બન્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.