કેરીઓની આવક ઓછી:બદલતા હવામાનના કારણે અંજારમાં 75 ટકા ઉત્પાદન ઘટ્યું, સમગ્ર જિલ્લા પર અસર પડશે

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે કેરીના ઓછા ઉત્પાદન થકી ખેડૂતોને સારા ભાવ મળશે
  • ​​​​​​​શહેરની મેંગો માર્કેટમાં દર વર્ષ કરતા આ વર્ષે કેરીઓની આવક ઓછી

મેં મહિનાથી શરૂ થતી અને 15 જુલાઈ સુધી એટલે કે અઢી મહિના સુધી ચાલતી કેરીની સીઝન હાલ પુરજોશમાં ચાલી રહી છે પરંતુ દર વર્ષ કરતા આ વર્ષે માત્ર 25 ટકા જ કેરીઓનું ઉત્પાદન થતા માર્કેટમાં કેરીઓની આવક ખૂબ ઓછી વર્તાઈ રહી છે. કચ્છની સૌથી મોટી કેરીની બજાર એટલે કે અંજાર યાર્ડમાં પણ કેરીઓની આવક ઓછી હોવાના કારણે હોલસેલ ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

જેના કારણે આ વર્ષે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળવાનો વાર્તારો દેખાઈ રહ્યો છે. તો બીજી તરફ અંજાર પંથકમાં કેરીના ઉત્પાદનમાં ઘટાડો દેખાતા તેની અરસ સમગ્ર જિલ્લા પર પડશે.કચ્છની નંબર વન અને ગુજરાતમાં તલાલા બાદ બીજા નંબરે આવતું અંજાર યાર્ડમાં દર વર્ષે સામાન્ય રીતે દૈનિક 50થી 60 હજાર બોક્ષ કેરીઓની આવક થતી હોય છે. પરંતુ આ વર્ષનું વિસંગત વાતાવરણના કારણે દૈનિક 25 હજારથી પણ ઓછા બોક્ષની આવક થઈ રહી છે. જેના કારણે આ સમય ગાળામાં દર વર્ષે 25થી 30 રૂપિયાનો હોલસેલ ભાવ હોય છે. જે વધીને 50થી 125 રૂપિયા સુધીનો થઈ ગયો છે.

અંજાર યાર્ડમાં મુખ્ય વેપારીઓ રાજેશ વિઠ્ઠલદાસ ઠક્કર, સહદેવસિંહ બહાદુરસિંહ જાડેજા, શાંતિલાલ રણછોડદાસ, સામજીભાઇ હિરાણી પૈકીના રાજેશ ઠક્કરના જણાવ્યા મુજબ અંજાર યાર્ડમાં આખા કચ્છ માંથી કેરીઓ આવે છે. જેમાં મુખ્ય સેન્ટર ગઢસીસા, મઉ, ખેડોઈ, ભારાપર, સીનુંગ્રા, ખંભરા, પાંતિયા, અંજાર સિમ, વિડી વગેરે છે. જેની ખરીદી કરવા માટે હાલે રાજસ્થાન, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર વગેરે સ્થળોથી દલાલો અંજાર યાર્ડમાં આવી રહ્યા છે.

હાલે તલાલાની કેરીનો માલ ચાલુમાં છે જે આવતી 10મી સુધી ચાલુ રહેશે ત્યારબાદ તલાલા માર્કેટ બંધ થઇ જતાં માત્ર અંજાર યાર્ડમાં જ કેરીની આવક ચાલુ રહેશે. જેથી ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા વગેરે રાજ્યો માંથી પણ અંજાર યાર્ડમાં કેરીની ખરીદી કરવા દલાલો આવી જશે. જેથી હાલે છે તેના કરતા પણ ભાવો ઉચા જવાની શક્યતા છે.

કેસર કેરી ઉપરાંત દેશી કેરીઓની પણ માંગ
કેસર કેરી ઉપરાંત દેશી જાતનો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વેચાય છે. જેમાં લંગડો, રામપુરી, આમ્રપાલી, બદામ જેવી જાતોનો સમાવેશ થાય છે. જેના હોલસેલ ભાવ હાલે 30થી 50 રૂપિયા સુધીનો છે. તેમજ તે જાતોના ભાવમાં વધઘટ પણ નહિવત પ્રમાણમાં હોય છે. જેથી દેશી કેરીઓના હોલસેલ ભાવ લગભગ એક સરખા જ જોવા મળે છે.

જિલ્લામાં 10,600 હેક્ટરમાં કેરીનું વાવેતર
કચ્છની શાન સમી કેસર કેરી અંતે બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ બની છે. પરંતુ આ વર્ષે વિષમ હવામાનના પગલે કુલ ઉત્પાદનમાં 75 ટકા સુધીનો ધરખમ ઘટાડો જોવા મળી રહેશે, જેને લઈ કેસરના ચાહકોને વધુ ભાવ ચૂકવવા પડી રહ્યા છે. કચ્છ ખેતીવાડી કચેરીના બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર કચ્છમાં આ વર્ષે કેરીનું કુલ વાવેતર 10,600 હેક્ટરમાં થયું છે. જો કે ચાલુ વર્ષે અતિશય તાપ અને પવનના કારણે કેસર કેરીના ઉત્પાદનમાં અસર જોવા મળી રહી છે. અતિ રસદાયક અને લાભદાયક રસથી ભરપુર કચ્છની માનીતી કેસર કેરીને આરોગવા સ્થાનિક સાથે દેશ વિદેશના સ્વાદ રસિકો વર્ષભેર રાહ જોતા હોય છે.

ખેડોઇમાં માત્ર 25 ટકા જ કેરીની ઉપજ, સમગ્ર જિલ્લા પર અસર પડશે- ખેડૂત
અંજારના ખેડોઇ ગામે રહેતા અને વર્ષોથી કેરીની ખેતી સાથે સંકળાયેલા હરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેસર કેરીના ઉત્પાદનને આ સિઝનમાં ગરમી અને રોગ નડી ગયો છે. શરૂઆતમાં ખૂબ સારો પાક થશે તેવી આશા બંધાઈ હતી. પરંતુ અચાનક જોરદાર ગરમી પડતા અને કેરીના વૃક્ષમાં રોગ દેખાતા ફાલ ખરી પડ્યો હતો. જેના કારણે હાલે માત્ર 25 ટકા જ ઉત્પાદન થઇ શક્યું છે. સમગ્ર કચ્છમાં અંજાર અને તેમાય ખાસ કરીને ખેડોઇની કેરીઓ પહોચે છે. પરંતુ આ વખતે ફાલ ખરી પડતા સમગ્ર જિલ્લાને અસર પડશે અને કેરીના ભાવ મોંઘા થશે.

કેરીના અોછા ઉત્પાદન અને વધુ માંગના પગલે દોઢ ગણો ભાવ વધારો​​​​​​​

કચ્છમાં અા વર્ષે કેરીમાં ઓછા ફાલના કારણે અોછું ઉત્પાદન અને માંગ વધુ રહેતા આ વર્ષે કેરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ દોઢ ગણો વધારો જોવા મળી રહ્યો છે.કુદરતી રીતે પાકેલી, કચ્છની કેસર કેરીનું ચાલુ અઠવાડિયે બજારમાં વિધિવત આગમન થશે. નાના અંગિયાના ખેડૂત મોહન કેસરાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે મે મહિનાના અંતમાં અથવા જૂન માસના પ્રથમ અઠવાડિયામાં, ઝાડ પર પાકેલી કેરી બજારમાં વેચાણ માટે અાવે છે, જે જુલાઈ માસ સુધી બજારમાં મળતી હોય છે.

ખાસ કરીને અંજાર, ભુજ, નખત્રાણા સહિતના અન્ય વિસ્તારના જથ્થાબંધ વેપારીઓ, નખત્રાણા આસપાસની તમામ વિસ્તારોમાં જાત મુલાકાત લઈને કેરીઓના સોદા કરતા હોય છે. સામાન્ય રીતે ફળની ગુણવત્તા પ્રમાણે ભાવતાલ સોદા નક્કી થાય છે, જેમાં ખેડૂત કેરીને ઝાડ પરથી ઉતારીને અથવા સોદો કરનારા વેપારી પોતાની રીતે કેરી ઉતારી લેવાની શરતે ભાવ આપે છે.

ત્યારબાદ જથ્થાબંધ વેપારી, વાડીએથી ટ્રાન્સપોર્ટેશન દ્વારા પોતાના સ્થળે લઈ જતા હોય છે. આંબાવાડીમાં કેરીના ઉચ્ચક સોદા કરનારા રમેશ સથવારાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે ખેડૂતો પાસેથી વાડીના સિઝન પ્રમાણે કેરીના સોદા કરાય છે. વિસ્તાર અને ઝાડ મુજબ ભાડા પેટે ઉચક રકમ અપાય છે, જેમાં છેલ્લા બે ત્રણ વર્ષોમાં આર્થિક નુકસાન થવાથી આ વર્ષે એવા કોઈ સોદા કરવામાં આવ્યા ન હતા. આમદભાઈએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 25 વર્ષથી એક જ આંબાવાડિયામાં આ સિઝનમાં સાખ પડી હોય તેવી કેરી ઉતારવાનું કે એકઠી કરવાનું કામ કરે છે અને દોઢેક મહિના સુધી આ કામગીરી ચાલે છે પણ આ વખતે ગયા વર્ષ કરતાં ફાલ ઓછો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...