અંજાર તાલુકા પંચાયત તેમજ જીલ્લામાં ઘણા લાંબા સમયથી નાણાપંચના એન્જીનીયર તેમજ આર.એન્ડ.બી.ના એન્જીનીયરના અભાવે જુદી-જુદી યોજનાઓ હેઠળના વિકાસકામો અટકી ગયા છે. ગ્રામ પંચાયતોને કામ કરવા છે પરંતુ વિકાસકામોના 15માં નાણાપંચ યોજનાના પ્લાન એસ્ટીમેટ નથી. નવી ગાઈડલાઈન મુજબ તમામ પ્લાન એસ્ટીમેટ રજીસ્ટ્રેશન કરવાના થાય છે જે પોર્ટલ પણ ખુલતું નથી.
ઘણી યોજનાઓ હેઠળના કામો માટેના માલસામાન G.E.M. પોર્ટલ હેઠળ ખરીદવાનો નિયમ છે જેમાં પણ તાલુકા કક્ષાએ G.E.M. પોર્ટલની કોઈ કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે તાલુકામાં ઘણા વિકાસના કામો સંપૂર્ણ અટકી ગયા છે. આ બાબતે તાલુકા પંચાયતો તેમજ જીલ્લા પંચાયતોમાં અવારનવાર રજુઆતો કરવા છતાં કોઈ પરિણામ આવતું નથી.
તાલુકા અને જીલ્લા પંચાયતના પદાધિકારીઓ બિન અનુભવી છે અને અધિકારીઓ દાદ દેતા નથી, જેનો ભોગ ગ્રામ પંચાયતોને બનવું પડે છે. 15માં નાણાપંચ યોજના હેઠળના વર્ષ 2020-21ના કામો પણ થતા નથી અને ગ્રામ પંચાયતોએ કામ કર્યા હોય તો તેના ચૂકવણા થતા નથી. જેના કારણે સરકારની ગ્રાન્ટ ખાતામાં જમા છે પરંતુ ઉપયોગ ન થવાને કારણે વર્ષ ગ્રાન્ટમાં મોટો કાપ મુકવામાં આવ્યો છે.
પંચાયતોની નવી બોડીઓ ચૂંટાઈને આવી છે પરંતુ તેમના માટે કામ કરવા ખુબ જ કઠીન છે કારણ કે એક તો પ્લાન એસ્ટીમેટ ના બને, જીયો ટેગ ન થાય, કામ ન કર્યા હોય તો તેના ચુકવણા ના થાય તો વેપારીઓ પંચાયતને ઉધાર માલ કોણ આપશે, જે ખુબ જ ગંભીર બાબત છે. અંજાર તાલુકાના ચંદીયા તેમજ સત્તાપર અને અન્ય પંચાયતોમાં કામો જેમની ખરીદીના અભાવે અધવચ્ચે લટકેલા પડ્યા છે.
આ બાબતે ચૂંટાયેલા સત્તાપક્ષના પદાધિકારીઓ પણ નિષ્ક્રિય છે. જેથી અંજાર તાલુકામાં તાત્કાલિક ધોરણે આર.એન્ડ.બી. એન્જીનીયર તેમજ નાણાપંચના એન્જીનીયરને મુકવામાં આવે તેવી માંગ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા વી.કે. હુંબલ દ્વારા કરવામાં આવી છે. વિકાસકામોનો લાભ લોકોને ન મળતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યાનો સુર ઉઠવા પામી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.