પોલીસ બોલાવી પડી:અંજાર પાલિકાની સા. સભા માત્ર ‘થી’ શબ્દની ભૂલના કારણે આટોપી લેવાઈ

અંજાર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષ-વિપક્ષે ર શાબ્દિક પ્રહારો કર્યા, કોંગ્રેસના સભ્યો આવી જતા પોલીસ બોલાવી પડી

શનિવારે અંજાર નગરપાલિકા આયોજીત સામાન્ય સભાના એજન્ડામાં માત્ર “થી” શબ્દની ભૂલના કારણે વાતાવરણ તંગ બન્યું હતું, પક્ષ અને વિપક્ષના સભ્યોએ એક બીજા પર જોરદાર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને ગેર સમજણ દૂર કરવાની જગ્યાએ કોઇપણ જાતની વિકાસલક્ષી ચર્ચા કર્યા વગર સભા આટોપી લેવામાં આવી હતી. તો બીજી તરફ ધરણા બાબતે રજૂઆત કરવા આવેલા કોંગ્રેસ અને સ્થાનિકોની હાજરી જોઈ સામાન્ય સભા શરુ થાય તે પહેલા જ પોલીસ બોલાવી લેવામાં આવી હતી.

શનિવારે સાંજે પાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ માંગો સાથે વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા છેલ્લા 10 દિવસોથી ધરણા પર બેઠા હોવાથી સામાન્ય સભા ગાજશે તેવા ભય અને તંગદીલી ભર્યા વાતાવરણ વચ્ચે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સત્તાપક્ષના ધાર્યા મુજબ આ સભા શરુ થાય તે પહેલા કોંગ્રેસ અને સ્થાનિકો પાલિકાએ પહોંચી આવ્યા હોવાથી પાલિકા દ્વારા પોલીસને પણ બોલાવી રાખવામાં આવી હતી. જેથી પોલીસની હાજરી વચ્ચે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆત થતા એજન્ડાના બીજા મુદ્દા પર જ સભા અટકાવી દેવામાં આવી હતી.

આ મુદ્દામાં તા. 12/7ના અંજારમાં પડેલા ભારે વરસાદ સમયે જી.સી.બી., ટ્રેક્ટર અને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું તેનું બીલ પાસ કરવા માટેનો મુદ્દો લેવામાં આવ્યો હતો. પરંતુ આ એજન્ડાના મુદ્દામાં તા. 12/7થી લખવાની જગ્યાએ માત્ર તા.12/7 પુરતો જ ઉલ્લેખ હોવાથી માત્ર એક “થી” શબ્દની ભૂલના કારણે ગેર સમજણ ઉભી થઇ હતી અને માત્ર 24 કલાકની કામગીરી માટે 195 કલાકની કામગીરી દર્શાવાઈ છે તેવું કહી ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિપક્ષે સભા અટકાવી દીધી હતી. તો માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે વિરોધ કરો છો તેવું સત્તાપક્ષે શાબ્દિક પ્રહાર કરી સભામાં કોઈ ચર્ચા કર્યા વગર જ સભા આટોપી લીધી હતી.

પ્રમુખને તો આ મુદ્દો શું છે તેની કઈ ખબર જ નથી
આ અંગે અંજાર પાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, જેસીબી અને અન્ય મશીનો બાબતે જે બીલની વાત છે તે વિશે મને કઈ ખબર જ નથી મને માત્ર રૂ. 65 હજારના બીલ વિશેની જાણકારી છે, હવે હું તમામ કાગળ જોઇશ તે બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

કોંગ્રેસે રજૂઆત કરતા સોમવારે જવાબ આપવાની ખાતરી અપાઈ
વિપક્ષના ધરણા બાબતે શહેર કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા પ્રમુખની ચેમ્બરમાં લેખિત જવાબ ક્યારે આપશો તે અંગેની રજૂઆત કરવામાં આવતા ચર્ચા કર્યા બાદ ચીફ ઓફિસર સાથે વાત કર્યા બાદ સોમવારે લેખિત જવાબ આપશું તેવી પ્રમુખ દ્વારા ધરપત આપવામાં આવી હતી.

શાંતિથી વાત કરો અમે તમામ કાગળ બતાવશું અને હિસાબ પણ આપશું
આ અંગે અંજાર પાલિકાના શાસકપક્ષના નેતા સુરેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, વિપક્ષ દ્વારા યોગ્ય ન હોય તેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે, જો શાંતિથી વાત કરે તો અમે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છીએ, હિસાબ પણ બતાવશું અને તેના કાગળ પણ બતાવીશું. તા. 12/7થી શરુ કરી હજુ સુધી મશીનોના કામો ચાલુ જ છે. જે બાબતે અમો તમામ ચોખવટ કરવા તૈયાર છીએ.

સભામાં બધાની હાજરી વચ્ચે જવાબ કેમ ન આપ્યો? પ્રમુખની ગરિમા પણ ન રખાઈ
આ અંગે વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સામાન્ય સભા સમયે મેં જેટલા સભ્યો હાજર હતા તે તમામની સામે હિસાબ માંગ્યો હતો, પરંતુ હિસાબો બતાવવાની જગ્યાએ સભા જ આટોપી લેવાઈ, મેં પ્રમુખને રજૂઆત કરી તો સભા વચ્ચે જ પ્રમુખે હિસાબો બતાવાનું કહ્યું છતાં તેમની ગરિમા રાખ્યા વગર શાસકપક્ષના નેતાએ સભા આટોપી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...