અયોગ્ય વલણ:અંજાર પાલિકાના કર્મચારીઓ નગરસેવકોનુંયે નથી સાંભળતા

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્તન અંગે ફરિયાદ કરાઈ પણ બાદમાં સમાધાન થઇ જતાં વાત આગળ ન વધી

અંજાર નગરપાલિકાના ખાડે પડેલા વહીવટના કારણે હવે લોકો તો ઠીક પણ કર્મચારીઓ પણ કંટાળ્યા છે અને હવે કર્મચારી તેમજ સત્તાપક્ષ વચ્ચેની ખટપટ સરાજાહેર થવા લાગી છે. મનમાની અને એક તરફી શાસન ચલાવતા સત્તાપક્ષથી કંટાળી અંજાર નગરપાલિકાના કર્મચારીઓ એટલા અકળાયા છે કે લોકો તો ઠીક ખુદ નગરસેવકોને પણ દાદ નથી આપતા, જેના કારણે આ ચર્ચા હવે રાજકીય બની રહી છે.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર શહેરની 36 માંથી 35 સીટો મેળવવામાં સફળ રહેલા સત્તાપક્ષના અમુક સભ્યોને જાણે ઘમંડ આવી ગયો હોય તેમ એક તરફી શાસન ચલાવી રહ્યા છે. પોતાની મનમાની ચલાવી લોકો અને નગરપાલિકાના કર્મચારીઓને પરેશાન કરવામાં આવતા હોવાથી તે અકળાઈ ગયા છે અને હવે આ અકળામણ એટલા હદે વધી ગઈ છે કે કર્મચારીઓ ફાટીને ધુમાડે ગયા હોય તેમ સામાન્ય નાગરિકો તો ઠીક પણ હવે સત્તાપક્ષના નગરસેવકોના કામો કરવાની પણ ચોખી ના કહી દેવામાં આવે છે.

થોડા જ દિવસો પહેલા આવો જ એક બનાવ બનતા એક નગરસેવકે ગુસ્સે ભરાઈ નગરસેવકોની મીટીંગ બોલાવી લીધી હતી. પરંતુ સત્તાપક્ષ દ્વારા આ વાત બહાર ન જાય તે માટે અંદરખાને સમાધાન કરાવી નાખતા વાત દબાઈ ગઈ હતી. શહેરના અમુક રાજકીય આગેવાનો પોતાની મનમાની ચલાવી જતા હોવાથી તેનો ભોગ બીજા નગરસેવકો બનતા હોવાથી હવે આ મુદ્દો રાજકીય રૂપ લઇ રહ્યું છે.

આ અંગે પાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ સાથે સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, બનાવ સાચો છે પરંતુ આ માટે મીટીંગ બોલવવામાં આવી ન હતી. નગર સેવકે ફરિયાદ કરતા જે તે કર્મચારીને ચેમ્બરમાં બોલાવી કડક સુચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે તાકીદ પણ કરાઇ છે. કર્મચારીઓનું આવું વલણ યોગ્ય નથી અને તેને ચલાવી પણ ન લેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...