અંજાર તાલુકાના વરસામેડી તેમજ આસપાસના વિસ્તારોમાં અનેક ઔધોગિક એકમો આવેલા જ્યાં જ્યાં પરપ્રાંતીય વસ્તીનો જમાવડો જોવા મળે છે. જેમાં અમુક લોકો ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી આ વિસ્તારમાં અવર નવર ચોરી, લુંટ અને હુમલા જેવા બનાવો બનતા રહે છે જે મુજબ ફરી આવો બનાવ સામે આવ્યો હતો અને વેલસ્પન કંપની નજીકની લેબર કોલોની પાસે રાત્રીના 12-20 વાગ્યાના સુમારે બે અજાણ્યા ઈસમોએ બે યુવાનોને છરીના ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ લેબર કોલોનીમાં રહેતા 36 વર્ષીય જાદવકુમાર હરીનાથકુમાર અને 28 વર્ષીય અરવિંદ હર ગંટા મેંદી નામના યુવાનો મચ્છી માર્કેટથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે મળેલા બે અજાણ્યા ઈસમોએ છરી વડે હુમલો કરતા યુવાનોને છાતી, સાથળ તેમજ ડાબા હાથના ભાગે છરીના ઘા લાગ્યા હતા.
જે બાદ બંને યુવાનોને અંજારની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવાનોની સારવાર કરી અંજાર પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ વિસ્તારમાં લુંટ, ચોરી અને હત્યા જેવા બનાવો પણ બની ચુક્યા છે ત્યારે આ વિસ્તારમાં મહેકમ સાથે પોલીસ ચોકી ઉભી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.