તપાસના આદેશ:અંજારમાં તારાજી બાદ વીજ કર્મીઓની ભજીયા પાર્ટીનો વીડિયો વાયરલ થયો, જેટલો વિરોધ થયો તેથી વધુ તો લોકોએ સમર્થન કર્યું

અંજાર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સોશ્યલ મીડિયાના ગ્રુપો આમ નાગરિકો માટે વોર રૂમ બન્યા, જોકે અનેક લોકો સાથે વિપક્ષે પણ વીજ કર્મીઓનો વખાણ કર્યા

શનિવારે સાંજે અંજારમાં જોરદાર પવન સાથે 3 ઈચ ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં ભારે તારાજી સર્જાઈ હતી. 25થી વધુ વૃક્ષો અને 23થી વધુ વીજપોલ ધરાશાયી થઇ જતા અંજારમાં એક તબક્કે વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ અંજાર નગરપાલિકા અને વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામ કરી શહેરમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કર્યો હતો. પરંતુ મોડી રાત સુધી નવા અંજાર વિસ્તારમાં લાઈટ ન આવી હોવાથી અને લાઈન ઓફિસમાં કોઈ જવાબ આપતો ન હોવાથી સ્થાનિકો વીજ કચેરીએ પહોંચી આવ્યા હતા.

“ભજીયા પાર્ટી” થતી હોવાની વાત સાથે વિડીયો વાયરલ
જ્યાં અમુક કર્મચારીઓ ભજીયા ખાતા હોવાથી “ભજીયા પાર્ટી” થતી હોવાની વાત સાથે વિડીયો વાયરલ કરી નાખવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ આ વિડીયો ઉતાર્યા બાદ તેને વિવિધ ગ્રુપોમાં વાયરલ પણ કર્યો હતો. જેને પગલે પ્રથમનો વીજ કચેરી પ્રત્યે લોકોનો રોષ ભભૂક્યો હતો

શહેરીજનોએ પહેલા જેટલો વિરોધ કર્યો હતો​​​​​​​
વીજ કર્મચારીઓ અને ઠેકેદારના માણસોએ ખુબ મહેનત કરી અને શહેરમાં ઝડપી વીજ પુરવઠો સ્થાપિત કર્યો છે તે વાત ધ્યાને આવતા શહેરીજનોએ પહેલા જેટલો વિરોધ કર્યો હતો તેથી વધુ વીજ કર્મીઓનો સમર્થન પણ કરતા જોવા મળ્યા હતા. જાણે સોશ્યલ મીડિયા ગ્રુપ વોર રૂમ બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું. તો બીજી તરફ વિપક્ષના સભ્ય રાજેન્દ્રસિંહ જાડેજાએ પણ એક પોસ્ટ લખી વીજ કર્મચારીઓએ સારી કામગીરી કરી હોવાથી તેમના જાહેરમાં વખાણ પણ કાર્ય હતા.

નવા અંજારમાં સવારે વીજકાપ હતો અને સાંજે ડેમેજ
નવા અંજારમાં મેન્ટેનન્સનું કામ ચાલુ કરવાનું હોવાથી પહેલા સ્થાનિકોને જાણ કર્યા બાદ શનિવારે સવારે 8 વાગ્યે વીજકાપ મૂકી કાર્ય કરવામાં આવ્યું હતું. જે બાદ બપોરે 2 વાગ્યે વીજ પુરવઠો ફરી શરુ કરી દેવામાં આવ્યો હતો. સાંજે 4 વાગ્યા બાદ જોરદાર પવન સાથે વરસાદ આવતા વીજપોલ ધરાશાયી થવાના કારણે આ વિસ્તારમાં ફરી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જે મોડી રાત સુધી શરુ ન થતા લોકો અકળાયા હતા અને વીજ કચેરીએ પહોંચી આવ્યા હતા.

એક અઠવાડિયાનું કામ અમે એક રાતમાં કર્યું- પ્રમુખ PGVCL કોન્ટ્રાક્ટ એસો.
આ અંગે સૌરાષ્ટ્ર-કચ્છ PGVCL કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ ગોપાલભાઈ આહિરે જણાવ્યું હતું કે, ભારે પવન સાથેના વરસાદમાં જે નુકસાની થઇ તે કામ કરવા માટે અઠવાડિયું લાગી જાય તેમ હતું પરંતુ માનવતા અને ફરજ સમજી કોન્ટ્રાક્ટ પરના તમામ માણસો અને વીજ કચેરીના કર્મચારીઓ લોકો માટે દોડ્યા હતા અને એક રાતમાં જ તમામ ધરાશાયી થયેલા પોલ ઉભા કરી દીધા હતા. સાંજથી સતત મહેનત કરી હોવા છતાં જમવાનું નહોતું મળ્યું, લોજ પણ બંધ થઇ ગઈ હોવાથી ટીફીનની વ્યવસ્થા થઇ શકી ન હતી. જેથી 4-5 સ્થળોએ અલગ અલગ વસ્તુઓની વ્યવસ્થા કરી કર્મચારીઓએ જાતે પોતાના હાથે મોડી રાત્રે ભજીયા બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...