ભરતી:અંજાર પાલિકામાં 35 વર્ષ બાદ 8 સફાઈ કર્મચારીઓને કાયમી નિમણૂક અપાઈ

અંજાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરતી પ્રક્રિયા અંગે સુધરાઇ સામે આક્ષેપો ઉઠતા હવે ફરીથી ઇન્ટરવ્યૂ લીધા બાદ બાકીના કર્મચારીઓની ભરતી થશે

અંજાર નગરપાલિકામાં છેલ્લા વર્ષ 1988માં કાયમી રીતે કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જે બાદ ભરતી પ્રક્રિયા પર સરકાર દ્વારા રોક લગાવી દેવામાં આવતા હવે છેક 35 વર્ષ બાદ કાયમી રીતે 8 સફાઈ કર્મચારીઓને નિમણૂક આપવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા અંગે પાલિકા પર આક્ષેપો ઉઠતા હવે બાકી રહેતા કર્મચારીઓ માટે ફરીથી ઇન્ટરવ્યૂ લીધા બાદ ભરતી કરવામાં આવશે.

આ અંગે મળતી માહિતી મુજબ સરકાર દ્વારા સફાઈ કામદારોની જગ્યા ભરવા જરૂરી મહેકમના 50 ટકા કર્મચારીઓની નિમણુંક કરવા પરિપત્ર બહાર પાડવામાં આવતા અંજાર નગરપાલિકા દ્વારા ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ઇન્ટરવ્યૂ લીધા પહેલા જ લાગવગીયા કર્મચારીઓના નામ પણ નક્કી કરી લેવામાં આવ્યા હોવા અંગેના આક્ષેપો ઉઠવા લાગ્યા હતા.

જેથી અંજાર પાલિકા દ્વારા જે કર્મચારીઓની નિમણુંક કરવામાં વિવાદ થાય તેમ ન હતો તેવા 8 સફાઈ કર્મચારીઓની નિમણુંક કરી દેવામાં આવી હતી. જેથી હવે 30થી વધુ કર્મચારીઓની નિમણુંક બાકી રહી જતા ફરીથી ઇન્ટરવ્યૂ લીધા બાદ જ ભરતી પ્રક્રિયા કરવામાં આવશે તેવું પાલિકાના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે 35 વર્ષ જેટલા લાંબા સમય બાદ અંજાર પાલિકામાં કાયમી કર્મચારીઓણી નિમણુક થતી હોવાથી કમ્પ્યુટર પર બેસતા લોકોએ પણ કાયમી થવા માટે પોતાના પૂરતા પ્રયત્નો કર્યા હતા પરંતુ આ બાબતની જાણ અન્યોને થઇ જતા ભાંડો ફૂટી ગયો હતો. જોકે પાલિકાના અધિકારીઓ દ્વારા નિયમોમાં બંધ બેસતા ન હોવાથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ફરીથી કરવામાં આવશે તેવો દાવો પણ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...